Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં નવી નોકરીમાં જોડાયેલ યુવાન કારીગર 8.50લાખની કિંમતના હીરા ચોરી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કાપોદ્રા ગાયત્રીનગરમાં આવેલા હીરાના કારખાનામાં લેસર ટીચીંગની નોકરીએ જોડાયાના પાંચમા દિવસે જ યુવાન કારીગર કારખાનાના મેનેજરે આપેલા રૂ.8.50 લાખની કિંમતના રફ હીરાના પાંચ પેકેટ ચોરી અડધા કલાકમાં જ નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના શિહોરના સણોસરાના વતની અને સુરતમાં મોટાવરાછા સુદામા ચોક એબીસી સર્કલ ખોડીયારનગર સોસાયટી ઘર નં.બી 172 માં રહેતા 31 વર્ષીય સંજયભાઇ નાગજીભાઇ જસાણી કાપોદ્રા લંબે હનુમાન રોડ રચના સોસાયટીની બાજુમાં ગાયત્રીનગર સોસાયટી ખાતા નં.13 માં જેબીસી ડાયમંડના નામે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. ગત 10 મી ના રોજ તેમના કારખાનામાં મૂળ પાટણના સંતલપુરના ઝઝામનો વતની અને સુરતમાં કતારગામ પારસ શાક માર્કેટની સામે કુબેરનગર સોસાયટી મકાન નં.28 માં રહેતો 22 વર્ષીય મહેશ રણછોડભાઇ ચૌધરી લેસર ટીચીંગની નોકરીએ જોડાયો હતો.

ગત બપોરે 1.30 કલાકે કારખાનાના મેનેજર ચુનારામભાઈએ મહેશને રૂ.8.50 લાખની કિંમતના 238.17 કેરેટના 579 નંગ રફ હીરાના પાંચ પેકેટ આપ્યા હતા. જોકે, અડધો કલાક બાદ મહેશ તેની જગ્યાએ નજરે નહીં ચઢતા મેનેજરે કારખાનેદાર સંજયભાઈને જાણ કરી હતી. સંજયભાઈએ મહેશનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ ફોન બંધ હતો. મહેશની જુદાજુદા સ્થળે તપાસ કરવા છતાં તેની ભાળ નહીં મળતા છેવટે ગતસાંજે સંજયભાઈએ મહેશ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં રૂ.8.50 લાખના રફ હીરાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

(5:39 pm IST)