Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજ્યમાં મુખ્યમંત્રીને બદલી ભાજપે ચૂંટણી જીતવા અખતરો કર્યો કે મરણીયો પ્રયાસ ? ચોમેર ચર્ચા જાગી

ગુજરાત રાજકીય પ્રયોગો અને અખતરાઓ કરવા માટેની માત્રને માત્ર એક પ્રયોગશાળા બની

રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ  રૂપાણીએ અચાનક રાજીનામુ આપી દીધું, તો બીજે દિવસે લોકોના આશ્ચર્યની વચ્ચે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા વહીવટમાં સાવ નવા નિશાળીયા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે બેસાડી પણ દેવાયા.ખેર આ તો અગાઉથી લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ જ બધુ થયું હશે પણ અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શુ વિજયભાઈ  રૂપાણી ગુજરાતનો વહીવટ કરવામાં કાચા પડ્યા હશે? જો એમ હોય તો વિજયભાઈ  રૂપાણીએ હાલમાં જ પોતાના મુખ્યમંત્રી તરીકેના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યના અને રાજ્યની જનતાના વિકાસ માટે કરેલા કામોની હરખ ભેર ઉજવણી કરી એ માત્ર દેખાવો હતો કે પછી આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોતાના જ વડપણ હેઠળ યોજવા માટે વિજયભાઈ  રૂપાણીએ હાઈ કમાન્ડને સિદ્ધિઓ ગણાવી?

એમ લાગી રહ્યું છે કે ગુજરાત રાજકીય પ્રયોગો અને અખતરાઓ કરવા માટેની એક પ્રયોગશાળા બની ગયું છે.વાત કરીએ ગુજરાતમાં ભાજપના શાસનની તો અમુક અપવાદને બાદ કરતાં ફક્ત નરેન્દ્રભાઈ મોદી જ એવા મુખ્યમંત્રી હતા કે જેમણે પોતાની સ્વેચ્છાએ મુખ્યમંત્રી પદ છોડ્યું, એની સિવાયના તમામ મુખ્યમંત્રીઓને રીતસરના હટાવવા પડ્યા હતા.આની પરથી એક બાબત એ સાબિત જરૂર થાય છે કે ગુજરાતનો સારો વહીવટ કરી શકે એવો ભાજપ પાસે હાલમાં કોઈ ચહેરો છે જ નહીં.અને જે ચેહરાઓ છે એ લોકો કદાચ મોવડી મંડળના કહ્યામાં નહિ રહે એમ માની એમને આગળ નહિ કરાતા હોય એવુ લાગી રહ્યું છે.

ભૂતકાળની જો વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અધવચ્ચે રાજીનામું અપાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા, પછી વિજય રૂપાણીની આગેવાનીમાં 2017 વિધાનસભા ચૂંટણી લડી પણ પાટીદાર ફેક્ટર કામ કરી ગયું અને ધારવા કરતા બેઠકો ઘણી ઓછી મળી.એ પરિણામ પરથી ભાજપે નક્કી કરી લીધું હશે કે આગામી 2022 ની ચૂંટણી બહુમતી બેઠકો સાથે જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.કદાચ એટલે જ ભાજપે વિજય રૂપાણીને હટાવી પાટીદારોને રીઝવવા માટે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદે બેસાડ્યા હશે.પણ મુખ્યમંત્રીને બદલી ચૂંટણી જીતવા ભાજપે અખતરો કર્યો છે કે પછી મરણીયો પ્રયાસ કર્યો છે એ ચર્ચાનો વિષય જરૂર બન્યો છે.

વિજયભાઈ  રૂપાણીએ જ્યારે રાજીનામુ આપ્યું ત્યારથી જ ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે કોઈ પાટીદાર નેતાને જ મુખ્યમંત્રી પદ અપાશે, હવે ગુજરાત ભાજપમાં ઘણા બધા એવા પાટીદાર ચેહરાઓ છે કે જેમને વહીવટનો પૂરતો અનુભવ પણ છે અને સમાજમાં સારી પકડ પણ છે.પણ તદ્દન બિન અનુભવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી હાઈ કમાન્ડે એવું સાબિત કર્યું છે કે અમારે અનુભવીની નહિ પણ કહ્યાગ્રાની જરૂર છે.હવે અહીંયા એક વાત એ નોંધાવી રહી કે મુખ્યમંત્રી તરીકે પાટીદારની પસંદગી થતા એ સ્વાભાવિક છે કે ગુજરાત સરકારમાં નંબર 2 પર કોઈ પાટીદારને તો નહીં જ મુકાય ત્યારે નીતિન પટેલનું પત્તુ જરૂર કપાશે એ બાબત સ્વીકારવી પડે.

ગુજરાત ભાજપમાં 18 વર્ષની ઉંમરથી કામ કરી રહેલા નીતિનભાઈ  પટેલનું હવે સરકારમાં સ્થાન કયું એ નક્કી કરવું મુશ્કેલ બન્યુ છે.જો કે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારે નીતિનભાઈ  પટેલે ગુજરાતના મુખ્યમંત્રી કોણ અને કેવા હોવા જોઈએ એ બાબતે જણાવ્યું હતું કે જે લાખો ભાજપના કાર્યકરોના દિલમાં હોય તથા રાજ્યમાં લોકપ્રિય અને અનુભવી હોય એવા મુખ્યમંત્રી હોવા જોઈએ.નીતિન પટેલે આ જવાબ આપી હાઈ કમાન્ડને એવો ઈશારો કરી દીધો હતો કે પોતે જ મુખ્યમંત્રીના ક્રાઇટએરિયામાં ફિટ બેસે છે.અગાઉ જ્યારે વિજયભાઈ  રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે પણ નીતિન પટેલ નારાજ થયા હતા અને નાણાં ખાતું આપો એવી જીદ પકડી કોપ ભવનમાં જતા રહ્યાં હતાં.જો કે વિવાદ ન થાય એ માટે એમને નાણાં ખાતું આપ્યું ડેપ્યુટી CM પણ બનાવ્યા.નીતિનભાઈ  પટેલની આ જ જીદને લીધે એમના મુખ્યમંત્રી બનવાના ઓરતા અધૂરા રહી ગયા છે.

ટૂંકમાં નરેન્દ્રભાઈ  મોદી અને અમિતભાઈ  શાહ ગુજરાત છોડી કેન્દ્રમાં ગયા ત્યાર બાદથી જ ગુજરાત ભાજપમાં ડખાઓ ચાલુ થયા છે.એ ડખાઓને શાંત કરવા ખાતર જ ગુજરાત ભાજપમાં સાઈડલાઈન કરાયેલા કેટલાક નેતાઓને રાજ્યપાલ બનાવાયા તો કેટલાક નેતાઓને કેન્દ્રમાં મંત્રી પદુ અપાયું છે.ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે કથિત મતભેદની અસર 2022 વિધાનસભા ચૂંટણીમાં ન થાય એ માટે જ મોવડી મંડળે ચૂંટણીના 1 વર્ષ અગાઉ મુખ્યમંત્રી બદલી દીધા છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે ભાજપના પાટીદાર નેતાઓના વચ્ચેના અંદરો અંદર સીત યુદ્ધને લીધે જ મોવડી મંડળ વિમાશણમાં મુકાઈ ગયું હોવું જોઈએ અને એટલે જ તદ્દન નવા ચહેરાને મુખ્યમંત્રીની નિમણૂક આપી દીધી હોવી જોઈએ.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ સામે સૌથી મોટો પડકાર સંગઠન સાથે તાલમેલ રાખી ગુજરાતમાં 150 થી વધુ બેઠકો લાવવાનો રહેશે.હજુ એમની ખરી કસોટી તો વિધાનસભામાં ટિકિટોની ફાળવણી વખતે થશે.વિજય રૂપાણી તો સંગઠનના પણ મહેર ખેલાડી હતા કે તેઓ વિવાદને ડામી શકવામાં સક્ષમ હતા.લોકો ભલે એમ માનતા હોય કે નરેન્દ્રભાઈ મોદીના નામથી ગુજરાતમાં ભાજપ ફરી સત્તામાં આવશે, પણ એ માનવું ભૂલ ભરેલું છે.આ વખતની ચૂંટણી જીતવી દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.હા ચોક્કસ ભાજપે ગુજરાતમાં વિકાસના કામો કર્યા છે એ નક્કર વાત છે પણ મોંઘવારી પણ એટલી જ બેકાબુ બની છે એ પણ સત્ય છે.

(7:33 pm IST)