Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પ્રજાને લૂંટતી આ ભ્રષ્ટ સરકારને હવે હંમેશા માટે ઘરે બેસાડવી પડશે : સુરતના ચારને મંત્રીપદ : આપ 27 સીટ સાથે સૌથી મજબૂત વિપક્ષ

નવા મંત્રીમંડળને લઇ જાણો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાની પ્રતિક્રિયા

અમદાવાદ :ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ સરકારમાં તમામ મંત્રીઓ એવા છે કે જેઓ અગાઉ ક્યારેક મંત્રી બન્યા નથી. ખૂદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ વર્ષ 2017ની ચૂંટણીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે મુખ્યમંત્રી બન્યા છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને પણ નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મોરબીના બ્રિજેશ મેરજા અને જે.વી. કાકડીયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે સુરતમાંથી 4 ધારાસભ્યોને રાજયમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ બાબતે ગોપાલ ઈટાલીયાએ ટવીટ કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ટવીટ કરીને લખ્યું હતું કે, આજે સુરત કોર્પોરેશનમાંથી નવા 4 ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. સાથે જ સુરત કોર્પોરેશનમાંથી જ ખૂદ ભાજપ પ્રદેશ પ્રમુખ, એક કેન્દ્રીય મંત્રી અને ચાર રાજ્યમંત્રી થઇ ગયા છે.

આ એજ સુરત છે જ્યાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી 27 સીટની સાથે સૌથી મજબૂત વિપક્ષ તરીકે બેઠી છે. જેને જે સમજવું હોય તે સમજે.

ગોપાલ ઈટાલીયાએ અન્ય એક ટવીટ કરીને લખ્યું હતું કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ થઇ હતી. સુરતમાંથી ચાર લોકોને મંત્રી બનાવાયા છે.

સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ, એક કેન્દ્રીયમંત્રી અને ચાર રાજ્યમંત્રી સુરતથી થઇ ગયા. આ એજ સુરત છે જે જ્યાં આમ આદમી પાર્ટીએ 27 સીટ જીતીને ઈતિહાસ રચ્યો છે. હવે તમારે જે સમજવું હોય તે સમજી લો.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નો રીપીટ થીયરી એટલે કે બધા જ પડતા મુકાયા. કેમકે બધા જ નિષ્ફળ હતા. આખી સરકાર નિષ્ફળ હતી. એટલે નવા લાવ્યા. નવો વિકાસ કરશે. હજુ થોડા દિવસ પહેલા જ બેશરમ બનીને સફળતાઓ ઉજવી પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો, પ્રજાને લૂંટતી આ ભ્રષ્ટ સરકારને હવે હંમેશા માટે ઘરે બેસાડવી પડશે અને પ્રજાના ટેક્સના રૂપિયે નાગરીકોના જ શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડતી સરકાર ચૂંટી કાઢવી પડશે. હવે બદલશે ગુજરાત.

(11:48 pm IST)