Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમદાવાદના ઓઢવ ગેસ્ટ હાઉસમાં કુટણખાના કેસમાં મેનેજર સહીત ત્રણ આરોપીઓનાકોર્ટે જામીન ફગાવ્યા

કેસમાં હજી ચાર્જશીટ પણ દાખલ કરાઈ નથી, જો આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવવા સાથે ચેડાં પણ થઈ થઈ શકે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પેલેસ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચલાવવાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓના જામીન ફગાવી દીધા છે. પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓ સામે અનૈતિક વેપાર અધિનિયમ 1956ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટે ક્રિષ્ના ગેસ્ટ હાઉસના મેનેજર ઇન્દ્રાસિંહ રાવ અને અન્ય બે આરોપીઓના જામીન ફગાવતા નોંધ્યું હતું કે આ કેસમાં હજી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી અને જો આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવવા સાથે ચેડાં પણ થઈ થઈ શકે જેથી કરીને આરોપીઓને જામીન આપી શકાય નહિ.

 

સરકારી વકીલ તરફે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે બાતમીના આધારે જ્યારે પોલીસ દ્વારા ગેસ્ટ હાઉસમાં રેડ પાડવામાં આવી ત્યારે ત્રણેય આરોપી ઇન્દ્રાસિંહ રાવ, કુલદીપસિંહ રાવ અને ઘુલસિંહ રાવ ગેસ્ટ હાઉસમાં હાજર હતા. પોલીસ તપાસના પેપરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચલાવતા હતા. આ આરોપીઓ પૈકી જશવંતસિંહ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનો સામે આવ્યું છે.

આરોપીઓના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી કુલદીપસિંહ નાઈટ મેનેજર તરીકે કાર્યરત છે. કોરોનાના કારણે હોટલ 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. આ તમામ આરોપીઓ અમદાવાદના રહીશ હોવાથી ક્યાંય ભાગી છૂટશે નહિ. પોલીસ રેડમાં ઝડપાયેલી તમામ મહિલા 18 વર્ષથી વધુ વયની હોવાની દલીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ઓઢવા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે 6 ઓક્ટોબરના રોજ સાંજે 8.30 વાગ્યે ગેસ્ટ હાઉસમાં રેડ પાડી હતી અને ત્યારબાદ મહિલાઓ સહિત હાજર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઓઢવ પોલીસે આ કેસમાં આરોપીઓ સામે અનૈતિક વેપાર અધિનિયમની કલમ -3,4,5 અને 9 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(8:16 pm IST)