Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિવાળી પહેલા લેવાતી શાળાઓની છ માસિક પરીક્ષા હવે યોજાઈ તેવી શકયતા નથી :છાત્રોને ટેકનીકલ પાસ કરવા પડે તેવી સ્થિતિ

શાળાઓ શરૂ નહીં થઇ હોવાથી સ્વાભાવિક પણે પરીક્ષા લેવાઈ નથી

અમદાવાદ : દિવાળીના તહેવારો ચાલુ થઇ ગયા છે પરંતુ હજુ શાળાઓની શરૂઆત થઇ નથી. પરિણામે દિવાળી પહેલાં જ લેવામાં આવતી પરીક્ષા યોજાઇ નથી. આ પરીક્ષાઓ લેવા અંગે પણ સરકાર તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરતી જાહેરાત કરી નથી. ત્યારે શાળા સંચાલકો તથા મ્યુનિ.ના સત્તાધીશો દ્રારા છ માસિક પરીક્ષા લીધી નથી. સરકારની જાહેરાત બાદ આ બાબત વધુ સ્પષ્ટ થશે. જો કે વાલીઓ માટે આ વખતે પોતાના પાલ્યને કોરોનાથી બચાવવાનો વિષય મહત્વનો છે. પરીક્ષા અંગે હાલ કોઈ ચર્ચા નથી.

દિવાળીના તહેવારો પુરા થાય છે, આજે વિક્રમ સવંત 2077ના નવા વર્ષની ઉજવણી પુરી થઈ છે. આમ તો દિવાળી પહેલા જ ધો.1 થી 12ની પરીક્ષાઓ યોજાઇ જતી હોય છે અને પરિણામ દિવાળી પહેલાં અથવા બાદમાં આપવામાં આવતું હોય છે. આ પરીક્ષાના ગુણ વાર્ષિક પરીક્ષામાં ગણવામાં આવતાં હોય છે. પરીક્ષા અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ શાળાઓ દિવાળી બાદ તબક્કાવાર શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. શાળાઓ શરૂ નહીં થઇ હોવાથી સ્વાભાવિક પણે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં પરીક્ષા યોજવામાં આવી નથી. કે ખાનગી શાળાઓમાં પણ પરીક્ષાનું નામ લેવાતું નથી.

આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, હાલ શાળાઓમાં 25 ગુણની એકમ કસોટી માસિક લેવાય છે. પરંતુ જયાં સુધી ફીઝીકલ શિક્ષણ કાર્ય શાળાઓમાં શરૂ ના થાય અને ઓનલાઇનમાં જે નેશનલ સર્વે છે તેમાં 36 ટકા બાળકો પાસે મોબાઇલ નથી. 28 ટકા બાળકો વીજળી વગરના ગામોમાં રહે છે. આમ સરવાળે 64 ટકા બાળકોએ ઓનલાઇન શિક્ષણ લીધું જ નથી. તો પરીક્ષા કેવી રીતે લઇ શકાય. જેથી દરેક બાળકને ટેકનીકલ પાસ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

કેન્દ્ર સરકારે 2009માં મફત અને ફરજિયાત શિક્ષણ ધારો 6થી 14 વર્ષના બાળકો માટે કાયદો અમલમાં મૂકયો હતો. ગુજરાત સરકારે તેનો શબ્દસહ અમલ 2010માં કર્યો હતો. જેમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં લઇ જવાના હતા. જો કે ગયા વર્ષે ગુજરાત સરકારે ધો.5 અને ધો.8ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોરોનાના કારણે તે શક્ય થઇ શક્યું નથી. 2020/21માં પણ આ લાગુ થશે નહિ. ધો.10 અને 12ની પરીક્ષા મેં મહિનામાં યોજવા જાહેરાત કરી છે અને ધો.9 અને 11ની પરીક્ષા જુલાઇ 2021માં યોજાશે. છ માસિક પરીક્ષા લેવાવાની શક્યતા જ નથી.

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. શાળામાં ધો.1થી 8ના 1,24,000 વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવે છે. પરંતુ દિવાળી પહેલાં લેવામાં આવતી છ માસિક પરીક્ષા આખાય રાજયમાં લેવામાં આવી નથી અને લેવા અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. પણ આ પરીક્ષાના ગુણને વાર્ષિક પરીક્ષામાં ગણવામાં આવતાં હોય છે.

વાર્ષિક 200 ગુણના આધારે પરિણામ જાહેર થતાં હોય છે. તેમાં છ માસિક અને વાર્ષિકના 80/80 ગુણની લેખિત પરીક્ષા લેવાય છે. જયારે 20/20 ગુણ એટલે કે 40 ગુણ અનેકવિધ પ્રવુત્તિઓમાંથી અપાય છે. છ માસિક પરીક્ષા લેવાઇ નહીં હોવાથી સરકાર જાહેરાત કરે તે પ્રમાણે વિદ્યાર્થીઓનો ગુણભાર આગામી દિવસોમાં નક્કી થશે.

(9:07 pm IST)