Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુરતના પાંડેસરામાં બાળકીનું અપહરણ-દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો : પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી

સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. તે પછી તેની સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં સુરત પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગુજરાતમાં પહેલો કિસ્સો છે કે 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની હતો. સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપી સજા મળે તે માટે પોલીસે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને એક નવો ઈતિહાસ રચી કરી દીધો હતો. આ પહેલા જીઆઈડીસી બળાત્કાર કેસમાં પોલીસે નવ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

દિવાળીના દિવસે મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે વખતે પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તે દરમિયાન પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો.

(8:57 pm IST)