Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

પાક નુકશાનીના વળતર માટે ૨.૬ લાખ અરજીઓ આવી : ૭૪૦૯૦ મંજુર : ૧૫૧ કરોડ ચૂકવાયા

૩૩ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર : રાઘવજી પટેલ

રાજકોટ તા. ૧૬ : રાજયમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે જામનગર, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ ચાર (૪) જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના નુકશાનીના અહેવાલો મળેલ હતા. જેમાં અંદાજીત ૪.૨૦ લાખ હેકટર વિસ્તારમાં પાક નુકશાનીના વળતર પેટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પાક નુકશાન અંગે કરવામાં આવેલ આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓની રજૂઆતો અન્વયે ખેડૂતોને મદદરૂપ થવા માટે એસ.ડી.આર.એફ ઉપરાંત રાજય બજેટમાંથી કુલ રૂ.૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ સરકાર જાહેર કરેલ છે. તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલએ પત્રકારોને જણાવ્યું હતું.

ઉકત સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડુત કે જેના પાકને ૩૩% અને તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડુતોને SDRF બજેટમાંથી રૂ.૬૮૦૦ પ્રતિ હેકટર અને રાજય બજેટમાંથી રૂ.૬૨૦૦ મળી કુલ રૂ.૧૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે મહત્ત્।મ બે (૨) હેકટરની સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૫૦૦૦ કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૫૦૦૦ ચૂકવવાની જોગવાઇ કરેલ છે.

સરકાર દ્વારા તા.૨૫ ઓકટોબર ૨૦૨૧ થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આ માટે તા. ૨૦ નવેમ્બર સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા છે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં, જે સબબ હાલની સ્થિતીએ ૨.૦૬ લાખ અરજીઓ મળેલ છે. જેમાં DBT ના માધ્યમથી સીધી જ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇન જમા કરવામાં આવી રહેલ છે. અરજી મંજુરી અને ચૂકવણી પ્રક્રિયા ચાલુ છે. ઉકત મળેલ અરજીઓ પૈકી ખૂબ  ટૂંકા સમયગાળામાં ૭૪,૦૯૦ અરજીઓની કુલ રૂ.૧૫૧.૮૭ કરોડની સહાય મંજૂર કરવામાં આવેલ છે. તેમ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું.

(3:57 pm IST)