Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદમાં માત્ર એક બોટલ દારૂના કેસમાં રીમાન્‍ડ માંગનાર શાપુરના પીએસઆઇનો કોર્ટે ઉધડો લીધો

પીએસઆઇની આ કાર્યવાહીના પગલે તેમને 500નો દંડ પણ ફટકારાયો

અમદાવાદ: દારૂના સામાન્ય જથ્થામાં પકડાયેલા આરોપીના રિમાન્ડ માગનાર પોલીસ કર્મીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિદેશી દારૂની એક બોટલના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગનાર શાહપૂરના પીએસઆઈનો કોર્ટે ઉધડો લીધો હતો. બાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.આર.રાજપુતે પીએસઆઈની આવી કાર્યવાહીને પગલે રૂ.500 નો દંડ પણ ફટકાર્યો હતો. પીએસઆઈએ પણ પોતાની ભૂલ સ્વીકારી દંડ ભરી દીધો હતો.

શાહપુર ટોરેન્ટ પાવરની બાજુમાં મોહમદ સલીમ ઉર્ફે ટોલો મોહમદ સીદ્દીક શેખ પાસેથી એક દારૂની બોટલ શાહપુર પોલીસે 10 નવેમ્બરનાના રોજ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટોલા સામે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ શાહપુર પોલીસ મથકના પીએસઆઈ એસ. આર. બલાતને સોંપવામાં આવી હતી. પીએસઆઈ એસ.આર. બલાતએ આરોપી મોહમદ સલીમ ઉર્ફે ટોલોની ધરપકડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં પીએસઆઇએ વિવિધ મુદ્દા કોર્ટમાં દર્શાવી આરોપીના રિમાન્ડ મંજૂર કરવા દાદ માગી હતી.

જો કે, ચાર્જના એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ બી.આર. રાજપૂતએ તપાસનીશ અધિકારીને કહ્યું કે એક બોટલમાં તમે રિમાન્ડ માંગવા માટે આવ્યા છે? આમ તો તમે પોલીસ મથકમાંથી જ જામીન પર મુક્ત કરો છો. તો આ કિસ્સામાં કેમ આરોપીને રજૂ કરવામાં આવ્યો છે. તપાસનીશ અધિકારી કોર્ટના પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા. આ પછી કોર્ટે પીએસઆઈ એસ. આર. બલાતને રૂ.500 દંડ ફટકારીને રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી.

બીજી તરફ આરોપીએ નિર્દોષ હોવા સહિતના મુદ્દા ઉપસ્થિત કરી જામીન અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર મુક્ત કરી દીધો હતો. ત્યારે કોર્ટે કરેલ દંડ પણ પીએસઆઇએ પોતાના ખિસ્સામાંથી ભરી દીધો હતો.

નોંધનીય છે કે, પોલીસ નજીવા દારૂના કેસમાં રિમાન્ડ માગે છે જ્યારે મોટા દારૂના કેસમાં વહીવટ કરી કેસ લૂલો કરી રિમાન્ડ માગતી નથી. ત્યારે નજીવા દારૂના કેસમાં રિમાન્ડ માગતી પોલીસ માટે આ ચુકાદો શબક સમાન છે.

(5:37 pm IST)