Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભરૂચ જિલ્લામાં અનેક સરપંચો ધર્માંતરણ સાથે જોડાયેલાઃ ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સણસણતો આક્ષેપ

રાજપીપળા ખાતે મનસુખ વસાવાએ જણાવેલ કે મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરનાર પરિવારને હું વ્‍યકિતગત મળ્‍યો હતો

રાજપીપળા: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભરૂચ જિલ્લાની આમોદ પોલીસે મૌલવી સહિત 9 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તર પ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે.

આ સમગ્ર ઘટના મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આમોદ તાલુકાના કાંકરિયા ગામના 3-4 વર્ષ પહેલાં અમુક ગરીબ આદિવાસી પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. એમને હું વ્યક્તિગત મળ્યો હતો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ એકના બે થયા ન્હોતા. ગરીબ આદિવાસીઓને મોટા મકાનો બનાવી આપવાની અને મુંબઈ જેવા મોટા શહેરમાં 4-5 દિવસ હરવા ફરવાની લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવાય છે.એક અદિવાસી પરિવારના વ્યક્તિને તો મૌલવીની પદવી પણ અપાઈ છે.આદિવાસી યુવાનો સાથે ધર્માંતરણ પ્રવુતિ કરનારા લોકો મિત્રતા કેળવી ધર્માંતરણ કરાવે છે.આદિવાસીઓની ગરીબાઈના લીધે અમુક મુસ્લિમ સમાજના લોકો વિદેશના ફાન્ડિંગથી ધર્માંતરણ કરાવે છે.ગરીબાઈમાં સપડાયેલા લોકો આવા લોકોનો ભોગ બને છે.ભરૂચ અને આમોદ તાલુકાના ગામોના કેટલાક સરપંચો ધર્માંતરણ પ્રવુતિ કરનારા સાથે જોડાયેલા છે.એવા સરપંચો ગરીબ લોકોને સહાય નથી મળવા દેતા એટલે જ ગરીબ આદિવાસીઓ ધર્માંતરણ કરે છે.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમે એવા ગરીબ જરૂરિયાતમંદ આદિવાસીઓની નોકરીથી માંડીને અન્ય જરૂરિયાતો પૂર્ણ થાય એવા તમામ પ્રયત્ન કરીએ છીએ.આગામી સમયમાં ભાજપ આગેવાનો હિંદુ સંગઠનો અને આદિવાસી સમાજના ધર્મગુરુઓ સાથે રહી આદિવાસીઓ ધર્માંતરણ તરફ ન પ્રેરાય એવા પ્રયત્નો કરશે.ભરૂચ જિલ્લાના આમોદ, કરજણ અને શિનોર કે જ્યાં મુસ્લિમોની વસ્તી વધુ અને આદિવાસીઓની વસ્તી ઓછી હોય, રોજગારનો આધાર મુસ્લિમ સમાજના લોકો પર હોય એવા ગામોમાં ધર્માંતરણના પ્રયત્નો થયા હતા પણ જૂજ લોકો એમાં સફળ થયા છે.ધર્માંતરણ કરાવનાર લોકો યુવાનોમાં ડ્રગ્સની લત લગાડવાનું પણ કામ કરે છે.

(5:37 pm IST)