Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મહેમદાવાદમાં 15 હજારની લાંચ લેવાના પ્રકરણમાં જુનિયર એન્જીનીયરને અદાલતે 4 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : મહેમદાવાદ એમ.જી.વી.સી.એલ.ના જુનિયર એન્જિનીયર વીજ સપ્લાય ચાલુ કરવા વીજ ગ્રાહક પાસેથી રૂ.૧૫,૦૦૦ ની લાંચ લેતા એ. સી બી. ના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગેનો કેસ નડીઆદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ પી.એસ.દવે એ આરોપીને ચાર વર્ષ ની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦ દંડ કરવા હુકમ કર્યો હતો.

મહેમદાવાદમાં રહેતા કરીમખાન ઇલામખાન પઠાણે પોતાની માલિકીની જમીનમાં પ્લોટિંગ કરી જીનત પાર્ક સોસાયટી બનાવી હતી. આ સોસાયટીમાં રહેતા પ્લોટ ધારકોએ વીજ જોડાણ માટે અરજી કરતા મહેમદાવાદ વીજ કંપનીના જુનિયર એન્જિનીયર રાજેશભાઈ અરવિંદભાઈ મિસ્ત્રીએ બિલ્ડર મારફતે કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું હતું જેથી કરિમખાન પઠાણે મહેમદાવાદ વીજ કંપનીમાં અરજી કરી હતી તેમજ વીજ જોડાણ માટે તા.૨૪-૬-૨૦૧૦ના રોજ રૂ.૩,૭૪,૪૬૫ ભરી દીધા હતા. જેથી વીજ કંપનીએ સોસાયટીમાં ટ્રાન્સફોર્મર નાખી દીધું હતું.પરંતુ વીજ સપ્લાય ચાલુ કર્યો ન હતો. જેથી વીજ ગ્રાહકએ જુનિયર એન્જિનીયર રાજેશભાઈ અરવિંદભાઈ મિસ્ત્રીને મળ્યા હતા. 

દરમિયાન અધિકારીએ સપ્લાય ચાલુ કરવા પોતાના ખર્ચા પાણી પેટે રૂ.૨૦,૦૦૦ની માંગણી કરતા છેલ્લે રૂ.૧૫,૦૦૦ આપવા નક્કી થયું હતું. ગ્રાહકે આ અંગે એસીબી પોલીસને જાણ કરી હતી. બાદમાં તા.૧૯-૧-૨૦૧૧ના રોજ જુનિયર એન્જિનીયરને રૂ.૧૫,૦૦૦ વીજ ગ્રાહક આપતા એસીબી પોલીસે જુનિયર એન્જિનીયર રાજેશભાઈ અરવિંદભાઈ મિસ્ત્રીને પો. ઈ. બી.એમ. મકવાણા એ પંચોની હાજરીમાં લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડયા હતા.આ અંગે આરોપી વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરી નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સેશન્સ જજ પી.એસ.દવે સમક્ષ સરકારી વકીલે પાંચ સાક્ષીઓેની જુબાની તથા ૬૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સરકારી અધિકારીઓ દ્વારા લાંચ રૂશ્વતના બનાવો વધતા જતા હોઈ દાખલો બેસે તે માટે વધુમાં વધુ સજા કરવા દલીલ કરી હતી જેને ધ્યાનમાં રાખી સેશન્સ જજએ આરોપી રાજેશ ભાઈ મિસ્ત્રીને લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારાની કલમ-૭ના ગુનામાં ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવા હુકમ કર્યો હતો. તેમજ લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા ની કલમ ૧૩ (૧) (ઘ) તથા કલમ૧૩(૨) મુજબ ચાર વર્ષ ની સજા અને રૂ.૨૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવા હુકમ કર્યો હતો.

(6:33 pm IST)