Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુરતના કાપોદરા વિસ્તારમાં સુતેલી પરિણીતાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરનાર આરોપીને અદાલતે 14 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં અગિયારેક વર્ષ પહેલાં પોતાના ઘરમાં રાત્રિ દરમિયાન ભરઉંઘમાં સુતેલી પરણીતાના ઘરમાં ગેરકાયદે ગૃહપ્રવેશ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં કાપોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપીને આજે એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ.ધમાણીએ બંને ગુનામાં દોષી ઠેરવી બળાત્કારના ગુનામાં 14 વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.જ્યારે ભોગ બનનારને શારીરિક ઈજા થઈ ન હોઈ વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.50 હજારનું વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

કાપોદરા પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી ફરિયાદી પરણીતા તા.6-5-2010 ના રોજ રાત્રે પોતાના ઘરમાં ગેરકાયદે પ્રવેશીને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારવા બદલ 34 વર્ષીય આરોપી બિરેન્દ્ર રામસાગર મિશ્રા(રે.ભક્તિ રેસીડેન્સીખરવાસા રોડડીંડોલી) વિરુધ્ધ કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની રાત્રે ભોગ બનનાર પરણીતાના પતિ તેના કૌટુંબિક ભાઈ વતનમાં જવાના હોઈ સુરત રેલ્વે સ્ટેશને મુકવા ગયા હતા. જ્યારે તેના સાસુ તથા જેઠ ઘરની બહાર ઓટલા પર સુતા હતા. ત્યારે આરોપી ઘરમાં ઘૂસી પરિણીતાના મોઢા પર હાથ રાખી દુષ્કર્મ કરી નાસી ગયો હતો. પરિણીતાને પહેલાં એમ લાગ્યું કે તેનો પતિ હશે પરંતુ પાછળથી આરોપી બિરેન્દ્ર મિશ્રા હોવાનો ખ્યાલ આવતાં બૂમાબુમ કરીને તેના સાસુ જેઠ તથા નણંદને જાણ કરી હતી.

દુષ્કર્મના ગુનામાં જેલભેગા કરાયેલા આરોપી બિરેન્દ્ર મિશ્રા વિરુધ્ધના કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ફરિયાદીના પરિવાર વચ્ચે લારી મુકવાના મુદ્દે તકરાર હોવાની તથા ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોઈ હાલની ખોટી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો. જ્યારે ફરિયાદપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ ભોગ બનનારતેના પતિ -સાસરીયાની જુબાની ઉપરાંત તબીબી અને ફોરેન્સિક પુરાવા રજૂ કરાયા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈ આરોપીને ગેરકાયદે ગૃહપ્રવેશ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સજા તથા દંડનો હુકમ કર્યો હતો.

(6:35 pm IST)