Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કોવિડ-૧૯ના કેસ વધતા ૨૩ જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રખાશે

પૂનમ પર બંધ રહેશે ડાકોર અને શામળાજી મંદિરઃ દ્વારકાધીશનું મંદિર પણ આજથી ૨૩ જાન્યુઆરી સુધી ભકતો માટે બંધ રહેશે

અમદાવાદ, તા.૧૭: કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાતના દ્યણા મંદિરોએ થોડા દિવસ માટે ભકતો માટે દ્વાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં સોમવારે ડાકોરમાં આવેલું રણછોડરાયજી મંદિર અને શામળાજી મંદિર એક દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે, મંદિરના સત્તાધીશો 'પૂનમ'ના શુભ દિવસે મોટી સંખ્યામાં ભકતો ઉમટશે તેવી આશા રાખી રહ્યા છે.

ડાકોર મંદિરના જનરલ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની સ્થિતિના પગલે સોમવારે ભકતો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'સોમવારે આશરે ૨.૫૦ લાખ ભકતો મંદિરના દર્શનાર્થે આવે તેવી શકયતા હતી અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિધિઓમાં ઓનલાઈન હાજરી આપી શકાશે', તેમ તેમણે જણાવ્યું હતું. શામળાજી મંદિરના મેનેજર કનુભાઈ પટેલે કહ્યું હતું કે, સોમવારે ૧૫ હજાર જેટલા શ્રદ્ઘાળુઓ મુલાકાત લે તેવી શકયતા હતી. 'કોવિડ-૧૯ના વધતા જતા કેસોએ અમને સોમવારે એક દિવસ ભકતો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા હતા'.

દ્વારકાધીશનું મંદિર ૧૭ થી ૨૩ જાન્યુઆરી સુધી ભકતો માટે બંધ રહેશે. જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, 'ભકતોનો ધસારો ઘટાડવા અને મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી, મંદિર ૨૩મી જાન્યુઆરી સુધી ભકતો માટે બંધ રહેશે'.

મહેસાણાના કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, સોમવારે 'પૂનમ'ના શુભ દિવસે લગભગ ૫૦ હજાર ભકતો મુલાકાતે આવે તેવી અપેક્ષા હતી.

'મહામારીની સ્થિતિને જોતા, મંદિર ૧૭ થી ૨૨ જાન્યુઆરી સુધી ભકતો માટે બંધ રહેશે', તેમ તેમણે કહ્યું હતું. અંબાજી મંદિર અગાઉ ૨૩ જાન્યુઆરી સુધી ભકતો માટે દ્વાર બંધ રાખવાની જાહેરાત કરી હતી.

(10:23 am IST)