Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આઈબી વડા અનુપમસિંહ ગેહલોત, રાજકોટના જોઈન્ટ સીપી ખુર્શીદ અહમદ સહિત આઈપીએસ અધિકારીઓને બઢતી આપવા સાથે બદલીઓ માટે તખ્તો ગોઠવાઈ રહયો છે

મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ મળેલી ડીપીસી બેઠકમાં આઈજી સાથે ડીઆઈજી અને જુનિયર આઈપીએસને બઢતી આપવાના નિર્ણયને કમૂર્તા નહિ નડે ને ? દૂધથી દાઝેલાઓમાં અંદરથી આશંકા

રાજકોટ, તા.૧૭:   આઈએએસ અને જીએસેસ કેડરના અધિકારીના બદલી બઢતીના સતત ઓર્ડર વચ્ચે જેના ઓર્ડરની લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી છે તેવા આઇપીએસ અને જીપીએસ કેડરના અધિકારીઓની બદલી બઢતીના ઓર્ડર એક યા બીજા કારણોસર નીકળતા ન હોવાથી પોલીસતંત્રમાં વ્યાપેલ ઘોર નિરાશા વચ્ચે કમોસમી વરસાદ વચ્ચે મકર સંક્રાતની પૂર્વ સંધ્યાએ સિનિયર લેવલનાં આઇપીએસ અધિકારીઓને બઢતી આપવા માટે ડીપીસી અર્થાત્ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક મળ્યાના સમચાર મળતા જ કમુહુર્તા બાદ હવે સારા સમાચારો પોલીસ તંત્રને મળવાની ફરી આશા જાગી છે.   
 સચિવાલય સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગત ૧૩ તારીખે મુખ્ય સચિવ પંકજ કુમાર, એડી.ચીફ સેક્રેટરી હોમ રાજકુમાર અને ડીજીની ઉપસ્થિતિમાં મળેલ આ બેઠકમાં ૧૯૯૭ બેચના સિનિયર આઇજી કે જેમાં રાજ્યના આઇબી વડા અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમ સિહ ગેહલોત તથા રાજકોટના વર્તમાન જોઇન્ટ પોલિસ કમિશનર ખુર્શીદ અહમદને એડી.ડીજી લેવલે બઢતી આપવાનું નકકી કરવામાં આવ્યું છે.                     
 ઉકત બેચના અધિકારીઓ સાથે સિનિયર ડીઆઈજી અને જુનિયર આઇપીએસ સાથે અન્ય અધિકારીઓને બઢતી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી કોરોનાનો હોમ કોરોંન્ટાઈન સમય પૂર્ણ કર્યે આઇપીએસ લેવલે તથા જીપીએસ કેડરમાં બદલી બઢતી અંગે ઓર્ડર કરવા કાર્યવાહી થશે.વરિષ્ઠ આઇપીએસ દ્વારા પણ વારંવાર રજૂઆતો આ મામલે કરવામાં આવી છે, અન્ય રાજ્યો કરતાં આઇપીએસ બઢતી પ્રક્રિયા ધીમી હોવાની રજૂઆતો સંદર્ભે પણ યોગ્ય પગલાંઓ વિચારવામાં આવી રહ્યા છે.                                               
 ચાલુ વર્ષના અંતે ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ છે તે સંદર્ભે જિલ્લાઓમાં વિવિધ નામો માટે લીસ્ટ આવેલ છે, પરંતુ સુપર સી.એમ.દ્વારા દરેક પાસાઓ વિચારી નિર્ણય કરવામાં આવનાર છે, ચર્ચિત નામો અંગે પણ ફીડ બેંક મેળવવામાં આવી રહ્યા છે.                               
સિનિયર લેવલે પણ ખૂબ સારી રીતે સ્ટાફ પાસેથી કામ લય શકે અને ચોકકસ મનોવૃત્તિથી લોકોમાં ખરાબ મેસેજ ન જાય અને વિપક્ષોને બોલવાની તક ન મળે તે પ્રકારે દરેક અધિકારીઓ દ્વારા હાલની જગ્યા પર તેઓ દ્વારા થયેલ કાર્યવાહી ના ખાનગી અહેવાલો પણ મેળવાય રહ્યા છે, સાઇડ લાઈન રખાયેલ પાવર ફૂલ અધિકારીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પણ રાજ્ય સરકારના કેન્દ્ર દ્વારા પસંદગી પામેલ સલાહકારો  દ્વારા સલાહ અપાયાનું ચર્ચાઈ છે.


 

(2:56 pm IST)