Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવાના ઉપાયો- કાર્યો માટે રૂ. ૧૦૦ કરોડનું ફંડીંગ આગામી દિવસોમાં ફાળવાશે : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનસેવાની પરિશ્રમ યાત્રાના - સુશાસનના પ્રથમ ૧૨૧ દિવસ પૂર્ણ : જનસેવા - લોકહિત કામો માટે પ્રબળ સંકલ્પ- અડગ આત્મવિશ્વાસ અને અખૂટ જુસ્સાથી વિકાસયાત્રા સતત આગળ ધપાવવા મુખ્યમંત્રીનો કોલ : ભૂપેન્દ્રભાઈ પટેલના નિડર- નક્કર - નિર્ણાયક નેતૃત્વ અને સરળ – સહજ - સૌમ્ય સ્વભાવથી ટીમ ગુજરાતે ૧૨૧ દિવસમાં ગુજરાતના ચોતરફા વિકાસની આગવી કેડી કંડારી : મુખ્યમંત્રીએ ‘સુશાસનના ૧૨૧ દિવસ’ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું

૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં વધુ ૬ જિલ્લાઓ સહિત રાજ્યના ૧૩ જિલ્લાઓ ૧૦૦% નલ સે જલ : સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં સમગ્ર ગુજરાતને ૧૦૦% ‘નલ સે જલ’ યુક્ત રાજ્ય બનવાનો નિર્ધાર : વિકાસની ધારાનો લાભ અંતિમ છૌરના માનવીને પહોંચે- કોઈ વિકાસથી વંચિત રહી ન જાય તેવી નેમ સાથે સરકાર કાર્યરત :અમારી નવી ટીમે શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી લોકપ્રશ્નો- જનસમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે

રાજકોટ તા.૧૭ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટીમને મળેલી તક અને રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવાની પરિશ્રમ યાત્રાની સફળતાનો શ્રેય ગુજરાતના સૌ નાગરીકોના ચરણે ધર્યો છે. 

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારની જનસેવા યાત્રાના સુશાસનના સફળ ૧૨૧ દિવસ પૂર્ણ થવા  અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં  “સુશાસનના 121 દિવસ” પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું.

મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આ અવસરમાં સહભાગી થયા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કંડારેલી ગુડ ગવર્નન્સ- સુશાસનની કેડી પર ચાલતા તેમની નવી ટીમ ગુજરાતે સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે. 

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાફ નિયત અને નેક નીતિથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પળ-પળ, ક્ષણ-ક્ષણ રાજ્યના ભલા માટે ખપાવી દેવાની તેમની ટીમની તત્પરતા છે. 

 મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો –જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે. 

તેમના નેતૃત્વની વર્તમાન સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં ત્વરિત નિર્ણયો અને શ્રેણીબદ્ધ જનહિત કાર્યોથી ગુડ ગવર્નન્સની નવી પરિભાષા અંકિત કરી છે, એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે ૧૨૧ દિવસ દરમ્યાન કરેલી ગતિ-પ્રગતિની વિશદ છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બે લાખ ખેડૂતોએ અપનાવી છે અને વનબંધુ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો બન્યો છે તેની ભૂમિકા આપી હતી. 

તેમણે એમ પણ જાહેર કર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. ૧૦૦ કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે.      

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હરેક ઘરને ટેપ વોટર- નળથી જળ પહોચાડવા ‘નલ સે જલ’ની જે સંકલ્પના આપી છે તેમાં સંપૂર્ણ ગુજરાતને આગામી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં આવરી લઇ ૧૦૦ ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ ૬ જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ ૬ જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ ૧૩ જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાનું સંકટ હોય કે કુદરતી આફતનો કહેર, પ્રજાની પડખે રહી તેને હૂંફ અને સધિયારો આપવાના સેવાધર્મથી તેમની ટીમ ગુજરાત સતત દિનરાત ખડેપગે રહી છે.

તેમણે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નૂકશાન સામે બે તબક્કામાં ૧ હજારથી વધુ કરોડના સહાય પેકેજનો લાભ અસરગ્રસ્ત ૧૫૩૦ ગામના ૫.૦૬ લાખ ખેડૂતોને અપાયો છે તેની અને માછીમારો માટે ૨૬૫ લાખના સહાય પેકેજની પણ વિગતો આપી હતી. 

   મુખ્યમંત્રીશ્રીએ ૧૨૧ દિવસના જનહિતકારી શાસન દરમ્યાન લોકાભિમુખ વહિવટ અને લોકોના કામોનાં  સરળીકરણના અનેકાનેક નિર્ણયો કર્યા છે, તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. 

તેમણે આ અંગે જણાવ્યું કે, ગુજરાતે ગુડ ગવર્નન્સની સ્પર્ધામાં દેશના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. એટલું જ નહિ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ. અટલ બિહારીજીના જન્મદિને સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધલક્ષી વિકાસ કામોથી પ્રજાને લાભ આપવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ પ્રજાલક્ષી લોકહિતના કરેલા નિર્ણયો- પગલાંઓની છણાવટ કરતાં ઉમેર્યું કે, ઓનલાઇન આર.ટી.આઇ. પોર્ટલ લોંચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ અપનાવ્યું છે. મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને ૩.૬૩ લાખ નાગરિકો માટે e-signથી મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. નિયત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરી છે. લેન્ડ રેવન્યૂ કોડની કલમ-73એએની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ. PMJAY-MA યોજનાના લાભાર્થીને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો મહત્વનો નિર્ણય તેમની સરકારે કરેલો છે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૯ કરોડ ૪૬ લાખથી વધુ કોરોના વેક્સિન ડોઝનું રક્ષાકવચ નાગરિકોને આપવામાં આવ્યું છે તેની પણ વિગતો આપી હતી. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ વેક્સિન ડોઝમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં બિનચેપી રોગોની સારવાર- નિદાન માટેનું સ્ક્રિનિંગથી સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

ગુજરાતમાં ૧ કરોડ જેટલાં PMJAY-MA કાર્ડ આપવા સાથે પ્રધાનમંત્રીશ્રીની ફ્લેગશીપ યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થીઓને પહોંચાડવા સમયબદ્ધ કાર્યઆયોજન રાજ્ય સરકારે કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ એવી સ્પષ્ટ નેમ વ્યક્ત કરી કે, તેમની નવી ટીમ ગુજરાત મીનીમમ ગવર્નમેન્ટ - મેક્સિમમ ગવર્નન્સના ધ્યેય સાથે જેનસેવાના પ્રબળ સંકલ્પ, અડગ આત્મવિશ્વાસ અને અતૂટ જુસ્સાથી કર્તવ્યરત રહેવા પ્રતિબદ્ધ છે.       

(3:12 pm IST)