Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સોખડા મંદિર વધુ એક વિવાદમાં :હવે સત્સંગી મહિલાઓએ સંતો પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ચારિત્ર્યને લઇને અને પૈસામાં ગોટાળાના આક્ષેપ કર્યા: મહિલાઓએ ટ્રસ્ટીને ચોખેચોખ્ખું જણાવ્યું આ મંદિરમાં ના જ જોઈએ

વડોદરા :સોખડા હરિધામ મંદિર એક પછી એક વિવાદમાં સામે આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ અનુજ નામના એક હરિભક્ત દ્વારા હરિધામ મંદિરમાં બે સંતોના વર્ચસ્વની લડાઈ થઈ રહી હોવાની વાત મીડિયા સામે કરવામાં આવી હતી. આ અનુજ એજ હરિભક્ત છે કે જેને થોડા દિવસ પહેલા જ હરિધામ મંદિરના ચાર સંતો દ્વારા મંદિર પરિસરમાં માર મારવામાં આવ્યો હતો.

અનુજનો આક્ષેપ હતો કે હરિધામ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સંતોમાં બે ભાગ પડી ગયા છે.જેમાંથી એક જૂથ પ્રબોધ સ્વામીનું જૂથ છે અને બીજું જૂથ પ્રેમ સ્વરૂપ સ્વામીનું જૂથ છે. અનુજને પ્રભુ પ્રિય સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, ભક્તિ વલ્લ્ભ સ્વામી અને હરિ સ્મરણ સ્વામી દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેને લઇને હરિધામ મંદિર વિવાદમાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એક વખત હરિધામ મંદિર વિવાદમાં આવ્યું છે. આ વખતે સોખડા હરિધામ મંદિરની સંત્સંગી બહેનોએ ગુણાતીત સ્વામીને લઇને મંદિરના ટ્રસ્ટી સામે વિરોધ નોંધાવ્યો હતો.

રવિવારના રોજ સંત્સગી મહિલાઓ દ્વારા મંદિરની અંદર જ મંદિરના વહીવટને લઇને ધરણા કરવામાં આવ્યા હતા. મહિલાએ ટ્રસ્ટીને રજૂઆત કરી હતી કે, મંદિરની અંદર વહીવટમાં એક જ વ્યક્તિ મુખ્ય હોવો જોઈએ. આપણે એક બાપ હોય તે પ્રકારે મંદિરમાં પણ એક જ વડા હોવા જોઈએ બે વડા ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત મહિલાઓએ ટ્રસ્ટીને એવું પણ જણાવ્યું હતું કે, જ્યાં સુદી ગુણાતીત સ્વામીને મંદિરની બહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પૂરા કરવામાં આવશે નહીં.

મહિલાઓએ ગુણાતીત સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી પર ચારિત્ર્યને લઇને અને અશોક નામના વ્યક્તિની સામે પૈસામાં ગોટાળાના આક્ષેપ કર્યા હતા. સોખડા મંદિરની સત્સંગી મહિલાઓએ ટ્રસ્ટીઓને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, અમારે હરિધામમાં ગુણાતીત ન જોઈએ અને ગુણાતીતના જેટલા પણ ફોટો હોય તે બધા હરિધામની બહાર જવા જોઈએ. આ ઉપરાંત મહિલાઓએ એવું પણ કહ્યું હતું કે, એક સંતે છોકરો પેદા કર્યો, તો બીજા સંત જામનગરવાળી મહિલાને લઇને ફરી રહ્યા છે. તો ત્રીજા સંતે 40 કરોડ રૂપિયા ભાવેશ નામના એક બિલ્ડરને આપ્યા છે. અમારી પાસે તમામ પ્રૂફ છે.

હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ હરિધામ સોખડાનું મંદિર મંદિરની ગાદીની હરીફાઈને લઇને સતત વિવાદથી ઘેરાઈ રહ્યું છે. જયારે વ્યક્તિ તમામ મોહ અને સુખનો ત્યાગ કરે છે ત્યારે તે સંત બને છે. પણ અહિયાં તો સંતો વચ્ચે મંદિરની ગાદીને લઇને જે ફરિફાઈ ચાલી રહી છે તેની વચ્ચે હરિભક્તોને પીસાવાનો વારો આવ્યો છે.

(10:52 pm IST)