Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે મહાદેવની પૂજા કરી પદગ્રહણ કર્યું

વિપક્ષ નેતાના પદગ્રહણમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી: કોરોના નિયમોનો ઉલાળીયો: નારાજ કોર્પોરેટરની સૂચક ગેરહાજરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના જ 10 જેટલા કોર્પોરેટરોના વિરોધ વચ્ચે બનાવાયેલા વિપક્ષના નેતા દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ આજે બપોરે ત્રણ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પોતાનું પદ સંભાળશે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના આંતરિક કકળાટ વચ્ચે વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવેલા દાણીલીમડાના કોર્પોરેટન શહેઝાદ પઠાણે આજે પોતાનો ચાર્જ સંભાળી દીધો છે.

AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આજે પોતાનું પદગ્રહણ કર્યું હતું. વિપક્ષ નેતાના પદગ્રહણ સમારંભ વખતે મોટી સંખ્યામાં લોકો કોર્પોરેશન કચેરી આવી પહોંચ્યા હતા. જેને કારણે કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડયા હતા.

કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જ કોરોનાની ગાઈડલાઈન ભંગ થતો હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નહતી. ચાર્જ સંભાળ્યા પહેલા શહેઝાદ ખાન પઠાણે કોર્પોરેશનના પટાંગણમાં આવેલા મહાદેવના દર્શન કર્યા હતા, તો સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ખાસ વાત એ છે કે, શહેઝાદના વિરોધી જૂથના કોર્પોરેટરો હાજર રહ્યા નહતા. તેઓની ગેરહાજરી સૂચક બની રહી.

શહેઝાદ પઠાણે જણાવ્યું કે, ભાજપ દ્વરા 12 કમિટીઓમા વિપક્ષને સ્થાન આપવામા આવ્યુ નથી. આ કમિટીઓમા થતા ભ્રષ્ટાચારને બહાર લાવવામાં આવશે. નારાજ કોર્પોરેટરો અંગે બોલતા વિપક્ષી નેતાએ જણાવ્યુ હતુ કે, મતભેદ દરેક પરિવારમાં હોય છે. કોંગ્રેસને મજબૂત કરવા જેમને માનવવા પડશે તેમને મનાવીશ.

(11:54 pm IST)