Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સુરતના NR ગ્રુપ પર દરોડામાં રૂ. 9.48 કરોડની કરચોરી ઝડપાઇ : કાચી ચિઠ્ઠી, ડિજિટલ ડેટા જપ્ત

આયાત, ખરીદીના બિનહિસાબી વ્યવહારો મળ્યા :વેચાણ પર વેરો નહીં ભરીને કરચોરીની મોડસ ઓપરેન્ડી

 

સુરત :સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે, સુરતમાં ચૌટા બજાર અને આસપાસના વિસ્તારોમાં કોસ્મેટિક્સ, ઈમિટેશન જ્વેલરી, મેક-અપનો સામાન, લેડીઝ ફુટ વેર વગેરે ચીજવસ્તુના વેપાર સાથે સંકળાયેલા એન.આર. ગ્રુપની 4 પેઢી પર દરોડા પાડીને રૂ. 9 કરોડ, 48 લાખની કરચોરી પકડી પાડી છે.

SGST વિભાગને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો ધરાવતું સાહિત્ય, કાચી ચિઠ્ઠીઓ, ડિજીટલ ડેટા વગેરે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને તપાસને અંતે મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા છે. આ પેઢીઓ પાસેથી વેરો, વ્યાજ અને દંડ સહિત કુલ રૂ. 9.48 કરોડની રકમ વસૂલ કરાશે.

એન. આર. ગ્રુપની પેઢીઓએ કરેલા વેચાણ પર વેરો નહીં ભરીને અથવા નીચી કિંમત દર્શાવીને ખૂબ ઓછો વેરો ભરીને કરચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બ્યુટી અને કોસ્મેટિક્સમાં વપરાતી ચીજવસ્તુઓ પૈકી પ્લાસ્ટિક સિવાયની બંગડી ઉપર 3 ટકા, બ્યુટી પ્રોડક્ટ અને ઈમિટેશન જ્વેલરી ઉપર 18 ટકા, ફુટવેર અને લેડીઝ પર્સ ઉપર 12 ટકાનો GST લાગુ પડે છે. આ પેઢીઓની મિલકતો, વગેરે પર કામચલાઉ ટાંચ મૂકાઈ છે અને સ્ટોક જપ્ત કરાયો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, SGSTની માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝડ એનાલિસીના આધારે સુરતમાં ચૌટા બજાર અને આસપાસના વિસ્તારોમાં કોસ્મેટિક્સ, ઈમીટેશન જ્વેલરી અને લેડીઝ ફુટ વેર સાથે સંકળાયેલ એન. આર. ગ્રુપની ચાર પેઢીઓ એન. આર. બ્યુટી વર્લ્ડ, એન. આર. જ્વેલર્સ, એન. આર. બેંગલ્સ તથા એન. આર. ફીટ-ઈનના ધંધાના સ્થળો, ગોડાઉન અને રહેઠાણ પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા.

SGSTની 9 જુદી જુદી ટીમ દ્વારા એન. આર. ગ્રુપની ચાર પેઢીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એન. આર. ગ્રુપની ચાર પેઢીઓ પરના દરોડામાં ગુજરાતના વિવિધ શહેરો, આંતર-રાજ્ય ખરીદી અને વેચાણના મોટાપાયે બિનહિસાબી વ્યવહારો પકડાયા હતા. આ ગ્રુપ દ્વારા પોતાની પેઢીઓ મારફતે વિવિધ ચીજવસ્તુઓની આયાત કરાતી હતી અને પરપ્રાંતમાંથી પણ ખરીદી કરાઈ હતી અને આ વ્યવહારો ચોપડે દર્શાવાયા નહોતા. SGSTના દરોડામાં કાચી ચિઠ્ઠીઓ, બિનહિસાબી વ્યવહારો અને સોફ્ટવેરમાંથી કાર્ચ વેચાણોની મોટી નોંધ મળી આવી હતી.

(12:25 am IST)