Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જીએસટીના સર્ચ દરમિયાન કંઇ પ્રકારની રીકવરી ન કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સેન્‍ટ્રલ-ગુજરાત જીઅેસટી-ર૦૧૭ હેઠળ કાર્યવાહી સામે ગુજરાત હાઇકોર્ટનો મહત્‍વનો આદેશ : કરી રીટનો નીકાલ કરાયો

અમદાવાદ:  સર્ચ અને તપાસમાં કાર્યવાહી દરમિયાન અધિકારી દ્વારા હેરાનગતિન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી રિટ પર ગુજરાત હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન-ડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમ અને અન્ય સત્તાધીશોને – “સેન્ટ્રલ / ગુજરાત GST એકટ 2017ની સર્ચ – તપાસ કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની રિકવરી કરવી નહિ” તેવો પરિપત્ર જારી કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે નિર્દેશ આપતા કહ્યું કે – સેન્ટ્રલ / ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એકટ 2017ની કલમ 67 મુજબની સર્ચ/તપાસ કાર્યવાહીની કોઈપણ પરિસ્થિતિમાં હેઠળ – રોકડ, ચેક, ઈ-પેમેન્ટ, અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં એડજસ્ટમેન્ટ કે અન્ય કોઈપણ પ્રકારની રિકવરી કરવી નહિ. સર્ચ / તપાસ કાર્યવાહી દરમિયાન જો કોઈ કરદાતા સામેથી સ્વેચ્છાએ DRC03 ફોર્મ ભરવાનું કહે તેમ છતાં તેને સર્ચ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગલા દિવસે ફોર્મ ભરવાની સલાહ આપવી.

ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે સર્ચ કાર્યવાહી દરમિયાન જો કોઈ કરદાતાને કોઈપણ સ્વરૂપે બળ-જબરીપૂર્વક ચૂકવણી કરાવવામાં આવી હોય તો આવા કિસ્સામાં સર્ચ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફરિયાદી (કરદાતા) આ અંગે ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી. જો ફરિયાદી (કરદાતા) દ્વારા આવી ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અને અધિકારીએ નિર્દેશોની અવગણના કરી તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાત હાઈકોર્ટે સંબંધિત સત્તાધીશોને આ નિર્દેશ અંગે પરિપત્ર બહાર પાડવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટમાં કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં સર્ચ / તપાસ કાર્યવાહી દરમિયાન અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

(9:48 pm IST)