Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સરકારી કર્મચારીઓને ઓનલાઇન સેકસની વાતો કરીને પૈસા પડાવતી રાજસ્‍થાની ગેંગનો પર્દાફાશ

કર્મચારી સાથે સેકસ અંગેની વાતોનું રેકોર્ડીંગ કરીને પ૧ હજારની માંગણી કરી : ૬૦ લોકો શિકાર બન્‍યાની શંકા : ર આરોપી ઝડપાયા

અમદાવાદ : સરકારી કર્મચારીઓને ઓનલાઇન સેકસની વાતોમાં લગાડીને પૈસા પડાવતી રાજસ્‍થાનની ગેંગ ખુલ્‍લી પડી છે ર આરોપીઓને સીઆઇડી ક્રાઇમે પકડી પાડયા છે.

અજાણી યુવતીઓ સાથે ઓનલાઈન સેક્સ કે પછી સેકસી ચેટ કરવાનું લોકોને ભારે પડે છે, લોકોને ઓનલાઇન સેક્સ માટે લલચાવી ફોસલાવી પૈસા પડાવતી મેવાતી ગેંગના બે સભ્યોને સીઆઈડી ક્રાઇમનાં સાઇબર સેલે પકડી પડ્યા છે. એક સરકારી કર્મચારી સાથે ઓનલાઇન સેક્સ કરવાની વાત કરી હતી. સરકારી કર્મચરીનો સેકસી વિડીયો જ તેને મેસેજ કરી 51 હજારની માંગ કરી હતી. આ કર્મીએ 5 હજાર એક એકાઉન્ટમાં જમાં કરાવ્યા બાદ પણ બીજા પૈસાની માંગણી ચાલુ રહેતા સીઆઈડી ક્રાઇમને જાણ કરતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 7 લોકોની ગેંગમાંથી 2 ને પકડી પાડી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમની ટીમે રાજસ્થાન અલવર ખાતેથી ઉરસદ ખાન રજુદાર ખાન મેવ (ઉ.33, રહે. 60 ફીટ રોડ અલવર) અને અકુર કુમાર પ્રહલાદ રાય આહુજા(ઉં.30, રહે. એન બી કોલોની અલવર) ને પકડી પાડયો હતો. નાયબ પોલીસ અધિક્ષક બી એમ ટાંકે જણાવ્યું હતું કે, પોલીસ મહા નિરીક્ષક સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયના માર્ગદર્શન હેઠળ બે આરોપી પકડી લોકોના સેકસી વીડિયો બનાવી લાખો રૂપિયા પડાવનાર મેવાતી ગેંગને પકડી પાડી છે.

સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા એક સરકારી કર્મચારી ફેસબુકના માધ્યમથી અંજલિ શર્મા નામની એક આઇડીના સંપર્કમાં આવ્યા હતા. પહેલાં મિત્રતા કરી પછી ચેટ કરી વોટસએપ નંબર મેળવી વીડિયો કોલ કરવા વાત કરી હતી. લાલચમાં આવેલા સરકારી કર્મીએ પોતે નગ્ન થઈ વીડિયો કોલ કર્યો અને સામેની વ્યક્તિએ સ્ક્રીન રેકોર્ડીંગ કરી વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો વોટસએપ કરી ફેસબુક અને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી 51 હજારની માંગણી કરી હતી. પૈસા નહિ આપો તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલા સરકારી કર્મીએ ૫ હજાર ચૂકવ્યા બાદમાં સામેથી વધુ ધમકીઓ મળતા આ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સીઆઈડી ક્રાઇમે આ આંગે ગુનો નોંધી વધુ આરોપીની શોધખોળ હાથ ધરી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ગેંગનો ભોગ 50-60 જેટલા લોકો ભોગ બન્યા હોવાની શંકા છે. બે બેંક એકાઉન્ટમાં 17 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મહિલા જ્યારે વીડિયો કોલ કરે છે ત્યારે તે પોર્ન સાઈટ પરથી ઓનલાઇન સેક્સ બતાવી દે છે અને ભોગ બનનારને અસલ યુવતી આમ કરતી હોવાનું અનુમાન હોય છે પરંતુ હકીકતમાં યુવતી હોતી નથી.

આવી કે કોઈ પણ સાઇબર ક્રાઈમને લગતી ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં ઓનલાઇન થઈ શકે છે. ફરિયાદ કરવા માટે NCCRP PORTAI/cybercrime.gov.in પર કરી શકાશે.

મહિલાના નામ અને સુંદર ફોટા વાળું આઈડી બનાવવામાં આવે છે તેનાથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવે તમે સ્વીકારો એટલે મેસેન્જરથી થોડી થોડી વાતચીત શરુ કરે છે. બાદમાં મિત્રતા કરી તમારો વોટસએપ નંબર મેળવી લે તેના પર ચેટ કરે છે. સેકસી ચેટ બાદ મળવું છે પણ એ પહેલાં વીડિયો કોલથી ઓનલાઈન સેક્સની વાત કરે અને જેવું તમે કપડાં કાઢી ઓનલાઇન થાવ એટલે સ્ક્રીન રેકોર્ડીંગથી વિડીયો બનાવી લે છે અને એ વીડિયો તમને વોટસએપ કરી વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે.

મોટા વેપારીઓ, રાજકારણીઓ,સરકારી નોકરીઓ કરનાર લોકો કે સમાજમાં મોટું નામ ધરાવનાર પૈસાદાર લોકો ફ્રી સમયમાં આવી સમસ્યામાં ફસાઈ અને આબરૂના જવાના ડરે ઠગ ટોળકીને પૈસા ચૂકવી દેતા હોય છે અને આબરૂ ના ડરે ફરિયાદ પણ કરતા નથી.

લોકો ફેસબુકમાં સારી છોકરીઓનાં ફોટા કે પછી યુવતીઓનાં નામ વારંવાર સર્ચ કરે, કે પછી ઓનલાઈન ડેટિંગ કે ઓનલાઇન સેક્સ અંગેની વિગતો સર્ચ કરવાથી આ ટોળકીના ફિશીંગમાં ફસાઈ જવાય તેમ સીઆઈડી ક્રાઈમ એ જણાવ્યું હતું.

  • મહિલાના નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે અને તે જાણીતી હોય તો જ સ્વીકારવી
  • અજાણી મહિલા સાથે ચેટ ન કરવું જોઈએ
  • સોશિયલ મીડિયા પર પોતાના ધંધા વેપાર કે અન્ય પરિવારની વિગતો ન રાખવી જોઈએ
  • આવા કોઈ મેસેજ કે કોલ આવે તો તેને ધ્યાને ન લેવા કોઇએ
  • ઓનલાઇન આવું કંઈ સર્ચ કરવાથી આ ટોળકીના સકંજામાં ફસાઈ જવાય, એટલે સર્ચ ન કરવું જોઈએ
  • ફેસબુક, ઇન્સ્ટા કે અન્ય ડેટિંગ વેબસાઇટ કે એપ્લિકેશનમાં ફેંક આઈડીથી દુર રહેવું જોઈએ
(10:11 pm IST)