Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગાંધીનગર : પાર્લામેન્‍ટરી બોર્ડના ભાજપ વધુ એક સભ્‍ય કોરોનાની ઝપટે ચડ્યા

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ નેગેટીવ : મુખ્‍ય મંત્રીની સ્‍વસ્‍થ્‍તા માટે પ્રાર્થના કરતા મહંત સ્‍વામી

ગાંધીનગર: ભાજપના પાર્લામેન્‍ટરી બોર્ડના વધુ એક સભ્‍ય કોરોનાની ઝપટે ચડી ગયેલ છે. ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ ઘટયો હોવાનો સરકારી તંત્ર તરફથી દાવો કરાઇ રહ્યો છે. પરિણામ સ્વરૂપે અનેક કોવિડ હોસ્પિટલોને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. ત્યાં સુધી કે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલને પણ રૂપાંતરિત કરીને મહિલા તથા બાળકોની હોસ્પિટલમાં કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના થયો છે. તેમને સારવાર અર્થે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથેના લોકોના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા માટે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિહ ભાભોર કોરોના પોઝીટીવ આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય સ્વાસ્થ્ય સારુ રહે તે માટે બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના ( BAPS) ના મહંતસ્વામીએ પ્રાર્થના કરી છે.

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર મચાવ્યો હતો. જો કે સમય જતાં તેના પ્રભાવમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે. પરિણામે દેશમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. શાળા-કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્યાં સુધી કે સિનેમા ગુહો તેમ જ મલ્ટીપ્લેક્ષમાં પણ એસ.ઓ.પી. મુજબ વર્તવાની શરતે ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી રહી છે. બદલાતી જતી સ્થિતિને ધ્યાનમાં લઇને જ રાજય ચુંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીઓનો પ્રચાર હાલ ધમધમી રહ્યો છે. તેવા સમયે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામ્યો છે. તેમની સાથે સંક્રમિત થયેલા કેટલાંક લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે બીએપીએસના મહંતસ્વામી મહારાજે ભગવાનને પ્રાર્થના કરી છે. તેમણે આ અંગે મુખ્યમંત્રીને નિરામય સ્વાસ્થ્ય અંગે શુભકામનાઓ પાઠવતો પત્ર લખ્યો છે.

BAPSના મહંત સ્વામી મહારાજ વતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક સાધુ ઇશ્વરચરણદાસજીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આપ કોરોનાથી સંક્રમિત થયા એ જાણીને આપના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ, સર્વે અવતારો અને સર્વે મહાનસંતોના ચરણે પ્રાર્થના કરી છે કે, આપ પુન પૂર્ણરૂપે સ્વસ્થતા પ્રાપ્ત કરો અને વધુ સ્વસ્થ્તા સાથે ગુજરાતના એક પ્રતિબધ્ધ સુકાની તરીકે આપની નિષ્ઠાપૂર્વકની સેવાઓ દ્વારા ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ લઇ જવામાં વધુ સફળતાં હાંસલ કરો. આજે વસંતપંચમીના પવિત્ર પર્વે, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મદિને, સરસ્વતી વંદના સાથે આપના નિરામય સ્વાસ્થ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવાની સાથે પ્રાર્થના કરી છે.

 

(10:15 pm IST)