Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનને હવાની ગુણવતા માપવા માટે મુકેલ મશીનો ખોટકાઇ ગયા : કમિશનર સમક્ષ રજુઆત

ગાંધીનગર: અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી મૂકવામાં આવેલા મશીનો ખોટકાઇ ગયા છે. ત્યાં સુધી કે હવાની ગુણવત્તા વિશે જાણકારી આપવા માટેના ડિસ્પ્લે બોર્ડ પર પણ જાણકારી આપવામાં આવતી નથી. તેના માટેનો ટોલ ફ્રી નંબર પર પણ માહિતી ઉપલબ્ધ નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર સમક્ષ ફરિયાદ સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે.

પર્યાવરણ મિત્ર એ અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા પુના સ્થિત SAFAR સંસ્થા મારફત 17 ફ્રેબુઆરીના 2015ના રોજ અમદાવાદના આઠ સ્થળો ચાંદખેડા, એરપોર્ટ, રખિયાલ, નવરંગપુરા, સેટેલાઇટ, બોપલ, પીરાણા તથા રાયખડ ખાતેની હવાની ગુણવત્તા માપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એર એકશન પ્લાનમાં હવાની ગુણવત્તા માપવાની એક મુખ્ય પ્રવુત્તિ છે કે જેના દ્વારા હવા પ્રદૂષણ અંગેના પગલાંઓ ભરી શકાય. ડિસ્પ્લે બોર્ડ દ્વારા પણ હવાની ગુણવત્તા વિશે લોકોને જાણકારી આપવામાં આવતી હતી. જેમાં હવાની ગુણવત્તા નબળી હોય તો તે અંગે શું ધ્યાન રાખવું તે વિગત પણ લખવામાં આવતી હતી. અલબત્ત આ તમામ વિગતો અંગ્રેજીમાં બતાવવામાં આવતી હતી.

આ પણ વાંચો: PM મોદી તરફથી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેર શરીફ દરગાહમાં ચાદર ચઢાવી

વધુમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં ઘણાં વખતથી જે આઠ સ્થળોએ ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા હતા. તે ડિસ્પ્લે બોર્ડમાં હવાની જાણકારી અંગેની વિગત મૂકવામાં આવતી નથી. અલબત્ત SAFARની વેબસાઇટ પર આઠે આઠ જગ્યાએ ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. SAFARની વેબસાઇટ પર આપેલા 1800220161 નંબર ટોલ ફ્રી છે. જેના દ્વારા કોઇપણ સ્ટેશનની હવાની ગુણવત્તાની માહિતી મેળવી શકાય છે. પરંતુ છેલ્લાં ઘણાં વખતથી આ ટોલ ફ્રી નંબરમાં માહિતી ઉપલબ્ધ નથી તેવું જણાવાય છે. 16 ફ્રેબુઆરી 2021ની ઓનલાઇન સીસ્ટમ જોતા જણાય છે કે, ચાંદખેડા, એરપોર્ટ, પીરાણા અને નવરંગપુરાની હવાની ગુણવત્તા PM 2.5 નબળી બતાવે છે. આ વિગતો જાહેર રસ્તા પર મૂકાયેલા ડિસ્પ્લે બોર્ડમાં મૂકવી જોઇએ. જેથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકે.

મહેશ પંડયાએ વધુમાં જણાવ્યું છે કે, કોરોના અને હવા પ્રદૂષણ એકબીજા સાથે જોડાયેલા પરિબળો છે એટલે કે કોરોનાની આજની પરિસ્થિતિમાં હવાના પ્રદૂષણની સ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને તાત્કાલિક અસરથી હવાની ગુણવત્તા દર્શાવતાં ડિસ્પ્લે બોર્ડ ચાલુ કરવા અને સફરની સીસ્ટમ અસરકારક બનાવવી જોઇએ તેવી માંગણી કરી છે.

(12:10 am IST)