Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સરકારે કોરોનાને એક કલાક મોડા આવવાનો ઓર્ડર કર્યો : ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

રાત્રી કરફયુમાં ૧ કલાકની છૂટ અપાતા 'આપ'નાં ગુજરાતના અધ્યક્ષે સરકારની નિતીરિતી સામે સવાલો કર્યા

રાજકોટ,તા.૧૭: રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે એક તરફ સભાઓ અને રેલીઓમાં રાજકીય નેતાઓ કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂનો સમય એક કલાક ઘટાડતા આ તર્ક લોકોને સમજાયો નથી એમ જણાવી 'આપ'ની ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કરતા જણાવ્યું કે, 'મને લાગે છે કે સરકારે કોરોનાને એક કલાક મોડું આવવાનો ઓર્ડર કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અંગે જાહેરાત કરી હતી કે, ર૮ ફેબ્રુઆરી સુધી ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ ૧રથી સવારના ૬ વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. અગાઉ રાત્રિના ૧૧ વાગ્યાથી સવાર ૬ વાગ્યાસુધી રાત્રિ કરફ્યૂ હતો જો કે તે સમયે પણ આવા સવાલો ઊભા થયા હતા કારણ કે તેના અગાઉ રાત્રિ કરફ્યૂ રાત્રિના ૧૦ વાગ્યા અને તેના પહેલા રાત્રિ ૯ વાગ્યાથી ચાલુ થતો હતો. એક-એક કલાક પાછળ ખસેડવા પાછળ સરકારનો તર્ક શું રહ્યો તે અંગે અગાઉ પણ પ્રશ્નો હતા પરંતુ હવે જ્યારે ૧૧ વાગ્યાને બદલે ૧ર વાગ્યે કરફ્યૂ શરૂ થવાનો છે ત્યારે તેની પાછળ સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણી છે જેને કારણે ચૂંટણીને ધ્યાને લઈ રાત્રિ કરફ્યૂ પાછળનો કોઈ તર્ક જ નથી જ્યારે તમે રાત્રે જનતા પાસે તેની અમલવારી કરાવો તેમને દંડો અને બીજા દિવસ સવારે સી.આર. પાટીલ મોટી મેદનીઓ ભેગી કરી તાયફાઓ કરે તો કોરોનાને નાથવાનો તેની પાછળનો તર્ક બનતો નથી. આ એક હાસ્યાસ્પદ નિર્ણય છે જેની પાછળ કોઈ વિચાર હોય તેવું લાગતું નથી, મને લાગે છે સરકારે કોરોનાને એક કલાક મોડું આવવાનો ઓર્ડર કર્યો છે કે હવે કોરોના તું એક કલાક મોડો આવજે.

રાત્રિ કરફ્યૂથી ફાયદો મને કોઈ થતો હોય તેવું લાગતું નથી માત્ર લોકોને નુકસાન જ છે અને જો ફાયદો છે તો પછી તેની અમલવારીમાં કેમ ઢીલાસ રાખવામાં આવે છે. કેમ કડક હાથે તેની અમલવારી થતી નથી. ભાજપની રેલીઓ વખતે પણ આ બધા નિયમો અમલવારીથી કેમ તંત્ર હાથ છેટા રાખે છે ?  તેવો સવાલ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.

(10:01 am IST)