Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રજવાડી સાફો કેમ પહેર્યો? વરઘોડો અટકાવ્યો

દલિત સમાજના અગ્રણીઓની વિનંતી છતાં મહિલા સરપંચના પતિ અને પુત્રએ રસ્તામાંથી કાર હટાવી નહિ

મોડાસા, તા. ૧૭ :. સામાજિક બહિષ્કારની અનેક કમનસીબ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અરવલ્લી જીલ્લામાં વધુ એકવાર વરઘોડામાં ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી.

મોડાસા તાલુકાના નાંદીસણ ગામે સોમવારે રાત્રે સોમાભાઈ પરમારની દીકરીનો વરઘોડો નીકળ્યો હતો. યુવતીના ભાઈ ધવલ પરમારે બહેનના લગ્નમાં રજવાડી સાફો પહેર્યો હોવાથી વરઘોડો ગામમાં પહોંચતા ગામના ચોકમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી ત્યાં જ નાંદીસણ ગામના મહિલા સરપંચનો પુત્ર ધર્મરાજસિંહ ત્યાં પહોંચી ધવલ પરમારને એકબાજુ લઈ જઈ 'તારા માથે પાઘડી શોભતી નથી મને આપી દે' એમ કહી ઘર્ષણ કરતા લગ્નપ્રસંગમાં આવેલા મેઢાસણ ગામના ગીરીશભાઈ રામાભાઈ પરમાર સમજાવવા જતા ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી. પિતા જયેન્દ્રસિંહ પણ દોડી આવ્યા હતા અને વરઘોડા પસાર થતા રોડ પર કાર આડી મુકી દઈ વરઘોડો અટકાવતા ગાળાગાળી પણ થઈ હતી. વરઘોડામાં ઘર્ષણ થતા અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવતીના પરિવારજનોએ મહિલા સરપંચ પતિને વારંવાર વિનંતી કરવા છતા કાર રોડ પરથી ન હટાવતા યુવતીને ઘોડા પરથી નીચે ઉતારી ચાલતી ઘરે મોકલવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતા મોડાસા રૂરલ પીઆઈ એસ.એન. પટેલ અને તેમની ટીમ નાંદીસણ ગામે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરેલ.

મોડાસા રૂરલ પોલીસે ધવલ સોમાભાઈ પરમારની ફરીયાદના આધારે ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ (બન્ને રહે. નાંદીસણ) વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા રૂરલ પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:19 am IST)