Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ચૂંટણી ટાણે જ GST દ્વારા વેપારીઓને નોટિસો ફટકારી

વસુલાતની કામગીરીમાં કડકાઈ કરવાના અધિકારીઓને આદેશઃ વેપારીઓમાં નારાજગી : વસુલાત માટે અધિકારીઓ નાના વેપારીઓની ઓફિસ- પેઢીઓ ઉપર જઈ કલાકો સુધી બેસી રહેતા હોવાની પણ ફરિયાદોઃ દિલ્હી સુધી ફોન ધણધણ્યા

અમદાવાદઃ એક તરફ જીએસટીના અધિકારીઓ દ્વારા ખોટી કડકાઈ કરવામા઼ આવતી હોવાની અને વેપારીઓને પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જ આ બાબતે આત્મમંથન કરવાના બદલે સિનિયર અધિકારી દ્વારા જીએસટીના તમામ અધિકારીઓને બાકી વસૂલાત માટે કડક ઉઘરાણી કરવાના લેખિતમાં આદેશ આપવામાં આવ્યા છે. તેથી આગામી દિવસોમાં વેપારીઓની કનડગત વધે  તેવી અને વેપારીઓ  તથા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ વધે તેવી આશંકા છે.

જીએસટીના મોટા ડિફોલ્ટરો ડિપાર્ટમેન્ટના કરોડો રૂપિયા ચૂકવતા નથી ત્યારે તેની સામે નિઃસહાય બની રહેતા અધિકારીઓ નાના વેપારીઓ આગળ કડકાઈ કરી રહ્યા છે. જીએસટી વસૂલાત માટે અધિકારીઓ નાના વેપારીઓની ઓફિસ પર કે પેઢી પર જઈને કલાકો સુધી બેસી રહેતા હોવાની પણ ફરિયાદો થઈ છે. કેટલાક અધિકારીઓ તો ઉઘરાણી માટે જે- તે કરદાતાના ઘરે પહોંચી ગયા હોવાના સીસીટીવી ફૂટેજ રજૂ થયા હતા. તેથી વેપારીઓમાં જીએસટી અધિકારીઓ ખોટી કનડગતને લઈને રોષ વ્યાપી ગયો છે. આટલું ઓછું હોય તેમ જીએસટીના ઉચ્ચ અધિકારી દ્વારા તમામ અધિકારીઓને લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે બાકી નીકળતા જીએસટીના રૂપિયા માટે કરદાતાઓને નોટીસો આપી અને તેનું કડકાઈથી ફોલોઅપ લેવું. આગામી નિશ્ચિત દિવસોમાં જે તે કરદાતા સાથે બાકી જીએસટીના મુદ્દે સમાધાનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી. આ પરિપત્રને કારણે જીએસટીના અધિકારીઓ એ ફરી એક વખત વેપારીઓ સાથે કડકાઈથી વર્તે શરૂ કરી દીધું છે અને આડેધડ નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે જેને પગલે વેપારીઓમાં ચૂંટણી ટાણે નારાજગી વ્યાપી રહી છે. કેટલાક મોટા વેપારીઓ આ મુદ્દે દિલ્હી સુધી પણ ફરીયાદો કરી હોવાનું જાણી શકાયું છે.

(12:51 pm IST)