Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

10 લાખ રૂપિયા લઇને મેન્‍ડેટ બદલ્‍યાનો જેના ઉપર આરોપ લાગ્‍યો હતો તે મહેસાણા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનું રાજીનામુ

મહેસાણા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો ગઠજોડની રાજનીતિ જોવા મળી રહી છે. મહેસાણા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાએ રાજીનામું આપ્યુ છે. કિર્તીસિંહ ઝાલા સામે ટિકિટ વહેચણીને લઇને આરોપ લાગ્યા હતા.

10 લાખ રૂપિયા લઇ મેન્ડેટ બદલ્યાનો આરોપ લાગ્યો હતો

મહેસાણા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભડકો થયો છે. ટિકિટ વહેચણીના આરોપ લાગ્યા બાદ મહેસાણા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધુ છે. કિર્તીસિંહ ઝાલા પર મેન્ડેટ પહોચાડવામાં દાખવવામાં આવેલી અનિયમિતતા અને બેદરકારીને પગલે નોટિસ આપવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા શિસ્ત ભંગના પગલા કેમ ના ભરવા તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યુ હતું.

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાએ બહુચરાજીના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પર આક્ષેપ કર્યા હતા. કિર્તીસિંહ ઝાલાએ ભાજપ સાથે મળી પ્રદેશના કેટલાક કોંગ્રેસના નેતા કોંગ્રેસને ખતમ કરવા માંગવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનીટિકિટની વહેચણીમાં ગરબડને લઇ સ્થાનિક કક્ષાએ વિવાદ થયો હતો અને કેટલાક રાજીનામા પડ્યા હતા. તે બાદ પ્રદેશ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યુ હતું અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વંદના પટેલને મહેસાણા મોકલવામાં આવ્યા હતા. વંદના પટેલે નારાજ કાર્યકરોને મળી સમગ્ર પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને આ સમગ્ર પરિસ્થિતિ માટે પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ જવાબદાર હોવાનું સામે આવ્યુ હતું.

(5:14 pm IST)