Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગાયિકા કિંજલ દવેના ઇડરના કાર્યક્રમમાં પોલીસના દરોડાઃ કોરોના નિયમોનું પાલન ન કરાયુઃ સ્‍ટેજ શોનું આયોજન કરનાર 4 સામે ફરિયાદ

અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. આમ છતાં સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનો ચુસ્ત અમલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ચાર-ચાર બંગડી વાળા ગાડી ફેઈમ ગુજરાતની જાણીતી ગાયિકાએ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ઈડર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અચાનક પોલીસે દરોડા પાડ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર ગુજરાતના ઈડરમાં મણિયાર રોડ પર રોઝવિલા બંગલોઝ ખાતે કિંજલ દવેના ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહતી. આટલું જ નહીં, આ કાર્યક્રમમાં હજારો લોકો ભાન ભૂલ્યા હોય, તેમ કોરોના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાવ્યા હતા.

જો કે આ કાર્યક્રમની જાણ થતાં પોલીસે રેડ પાડી હતી. જેમાં સ્ટેજ શૉનું આયોજન કરનારા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કિંજલ દવે સામે પણ પગલા લેવાય તેની શક્યતા છે.

જણાવી દઈએ કે, અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ કિંજલ દવેએ ડીસાથી ભાજપના ધારાસભ્ય શશિકાન્ત પંડયા સાથે ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડયા હતા. આથી કોરોના સંક્રમણ ફેલાવીને પ્રજાના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવા તથા માનવ અધિકારનું હનન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ માનવ અધિકાર પંચ સમક્ષ કરવામાં આવી હતી.

(5:15 pm IST)