Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમદાવાદમાં રિક્ષા પર સ્ટન્ટ કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી : ટોળામાં હાજર લોકોએ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે એક રિક્ષા ચાલકે સ્ટંટ કર્યા હતા. સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી સ્ટંટ કરતા હોવાના વીડિયો જોયા હશે. પરંતુ શહેરના ઓઢવ વિસ્તારમાં એક રિક્ષા ચાલક સ્ટન્ટ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં બાઈક નહીં પરંતુ એક ચાલક રિક્ષા ચલાવીને સ્ટંટ કરતો દેખાયો હતો. વીડિયો અમદાવાદના ઓઢવ રિંગ રોડનો હોવાનું જાણવા મળતાં પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસને બાતમી મળતાં કૃષ્ણનગરના રહેવાસી સુનિલ શર્મા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રિક્ષા ચાલક સામે .પી કો કલમ ૨૭૯, ૧૮૮ તથા એમ.વી. એકટ કલમ ૧૮૪ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસે રવિવારે રાત્રે એક રિક્ષા ચાલકે રિક્ષામાં સ્ટંટ કર્યા હતા. રિંગ રોડ ઉપર રિક્ષા ચાલકને સ્ટંટ કરતા જોઈને લોકોનાં ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હાજર લોકોએ સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

જોત જોતામાં વીડિયો ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે એમ એક રિક્ષા ચાલક રોડ ઉપર પોતાની રિક્ષાને એક બાજુથી ઊંચી કરીને બે પૈંડા પર ચલાવે છે. આવા સ્ટન્ટ કરતાં કરતાં તે બે રાઉન્ડ લગાવે છે. જોકે, રિક્ષા ચાલકે બે રાઉન્ડ કરતા વધારે સ્ટન્ટ કર્યાં હોવાનું માલુમ પડ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ફક્ત બે સ્ટન્ટ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્રકારના સ્ટન્ટ કરવાથી અકસ્માતનું જોખમ રહે છે. રિક્ષા ચાલક આવી રીતે સ્ટન્ટ કરીને પોતાનો નહીં પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે.

(7:37 pm IST)