Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કાલથી પ્રાથમિક વિભાગમાં ધોરણ-6થી 8ના વર્ગો શરૂ :શાળાઓમાં પાંખી હાજરી રહેવાની શક્યતા

શાળાઓએ વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારીઓ કરી લીધી

અમદાવાદ : રાજ્યમાં ધોરણ-9થી 12ની શાળાઓ શરૂ થયા બાદ હવે ગુરૂવારથી પ્રાથમિક વિભાગમાં ધોરણ-6થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ શાળાઓએ વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

જોકે, પ્રાથમિક વિભાગમાં ઓછા વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા માટે સંમતિ આપી હોવાથી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ખુબ જ ઓછી જણાય તેવી શક્યતા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે. ઉપરાંત અન્ય ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે

રાજ્યમાં માર્ચ-2020માં કોરોનાના પગલે સ્કૂલો બંધ કરવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. પ્રારંભિક તબક્કામાં થોડા સમય માટે જ સ્કૂલો બંધ કરાઈ હતી, પરંતુ ત્યાર બાદ તબક્કાવાર મુદ્દત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી સુધી સ્કૂલો બંધ રહી હતી. ત્યારબાદ સરકારે દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી શાળા શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે શાળા શરૂ થઈ શકી ન હતી. આમ, સ્કૂલોનું પ્રથમ સત્ર એક પણ દિવસ શાળા ખુલ્યા વગર જ પુરૂ થઈ ગયું હતું.

ત્યારપછી સરકાર દ્વારા 11 જાન્યુઆરી, 2021થી માત્ર ધો-10 અને 12ની શાળા શરૂ કરવાની જાહેરાત કરી હતી અને શાળા શરૂ પણ થઈ હતી. ધોરણ-10 અને 12ની સ્કુલો રાબેતા મુજબ શરૂ થયાના 20 દિવસ બાદ સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી શાળામાં ધો-9 અને 11ના વર્ગો પણ શરૂ કરી દીધા હતા. આમ, રાજ્યમાં હાલમાં ધોરણ-9થી 12ના વર્ગો રાબેતા મુજબ ચાલી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા બાદ હવે સરકારે 18 ફેબ્રુઆરીથી ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

 

(8:28 pm IST)