Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પાટણમાં કોરોનનો હાહાકાર : કાંસા ગામમાં 10 દિવસમાં 17થી વધુ મોત : સિદ્ધપુર મુક્તિધામમાં મૃતદેહોની લાઈન : 24 કલાક મૃતદેહના અગ્નિસંસ્કાર થતાં ભઠ્ઠી રાખ થઈ

પાટણમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે પાટણના કાંસા ગામમાં છેલ્લા 10 દિવસમાં 17થી વધુ લોકોના મૃત્યુ થયા છે. શરદી ખાસી સહિતના લક્ષણ ધરાવતા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 17 લોકોના મૃત્યુ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટિંગ, વેક્સિનેશનની કામગીરી વધારવામાં આવી છે. સરકારી ચોપડે છેલ્લા 10 દિવસમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હોવાનું નોંધાયું નથી. ગામમાં મૃત્યુઆંક વધતા ગ્રામજનોએ ખેતરમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામની સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પાટણના સિદ્ધપુરમાં માતૃગયા તીર્થના મુક્તિધામનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં મુક્તિધામમાં મૃતદેહની લાઈનો લાગી છે. અને સતત થતા અગ્નિસંસ્કારને કારણે ભઠ્ઠી પણ બળી ગઈ છે. 24 કલાક સતત મૃતદેહના અગ્નિસંસ્કાર થતાં ભઠ્ઠી રાખ થઈ ગઈ છે. અગ્નિસંસ્કાર માટે ભઠ્ઠીઓ ઓછી પડતા નદીના પટમાં જ અંતિમવિધિ થઈ રહી છે. સિદ્ધપુરના વિખ્યાત સરસ્વતી સ્મશાનમાં અગ્નિદાહને લઈ અવ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ ઉભું થયું છે.

મુક્તિધામના ટ્રસ્ટીની કબૂલાત છે કે, રોજ 60થી વધુ મૃતદેહના અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં સિદ્ધપુર મુક્તિધામમાં રોજના 20થી 25 મૃતદેહ આવે છે. હાલ રોજ 15 જેટલા મૃતદેહની કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધિ કરાતી હોવાનો સ્વિકાર કર્યો છે

ગઈકાલે પાટણમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પાટણ નગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ આગામી 16 એપ્રિલ સુધીમાં દરેક વેપારીઓ તેમજ સુપર સ્પ્રેડરમાં આવતા તમામ વ્યક્તિઓએ ફરજિયાત કોવિડની રસી લેવાની રહેશે. 16 એપ્રિલ બાદ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જે દરમિયાન કોરોનાની રસી મૂકાવનારે પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. અને ત્યાર બાદ જ ધંધા રોજગાર માટે મંજૂરી આપવામાં આવશે. જ્યારે જેમણે રસી નહીં લીધી હોય તેમને ધંધા રોજગાર માટે મંજૂરી આપવામાં આવશે નહીં.

(10:25 pm IST)