Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સુરતમાં છ જ દિવસમાં સાત આઇસોલેશન સેન્ટર ઉભા કરાયાં, બે દિવસમાં ૨૦ લાખનું દાન, ૧ હજાર લોકો દર્દીઓની સેવા માટે તૈયાર

રાજકોટ,તા. ૧૭: કોરોના મહામારીમાં પણ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહેડાવી બે દિવસમાં દર્દીઓ માટે ૨૦ લાખનું દાન કર્યું છે. આ સાથે ૧ હજાર લોકો દર્દીઓની સેવા કરવા માટે તૈયાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે તો ત્યાં સુધી કહ્યું કે, દર્દીઓની મદદ કરવા માટે રૂપિયાની જરૂર પડશે તો હોસ્ટેલ બનાવવા માટે આવેલા દાનનો પણ ઉપયોગ કરીશું. હોસ્ટેલ મોડી બને તો ચાલે પણ જીવ બચવો જોઈએ. વરાછાના અલગ અલગ વિસ્તારોમાં ૬ દિવસમાં ૭ આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઓકિસજન બેડની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં ૧૫ દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લઈને સાજા થયા છે.

નાના વરાછા કોમ્યુનિટી હોલ ,મોટા વરાછા કોમ્યુનિટી હો, ઉત્રાણગામ કોમ્યુનિટી હોલ, હીરાબાગ કોમ્યુનિટી હોલ, સિંગણપોર કોમ્યુનિટી હોલ, કાપોદ્રા સાગર સોસાયટી કોમ્યુનિટી હોલ, યોગી ચોક કોમ્યુનિટી હોલ ખાતે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે.

(3:04 pm IST)