Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોના કાળ વચ્‍ચે આણંદની પ્રમુખ સ્‍વામી મેડિકલ કોલેજના ઇન્‍ટર્ન તબીબો હડતાલ ઉપર ઉતર્યાઃ 5 હજાર પગાર સામે આક્રોશ

અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂપિયા 13,000 કર્યું છે. આ યુવા તબીબ ઈન્ટર્ન સતત ભય અને ફફડાટ વચ્ચે કામ કરી રહ્યાં છે. ત્યારે આણંદની એક ખાનગી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર માત્ર 5000 રૂપિયામાં કામ કરવા મજબૂર બન્યા છે. આણંદમાં આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યાં છે.

કોવિડ ડ્યુટી કરી રહેલા ઇન્ટર્ન ડોકટરોએ સ્ટાઈપેન્ડને લઈને હડતાળ પર ઉતર્યા છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એ સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તક આવેલી છે. હાલ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે દર મહિને માત્ર 5 હજાર રૂપિયા આપવામાં આવે છે. ઈન્ટર્ન ડોકટરોએ સ્ટાઈપેન્ડમાં વધારો કરવા માંગ કરી છે. અગાઉ પણ સ્ટાઈપેન્ડમાં વધારાને લઈ ઈન્ટર્ન તબીબોએ અનેકવાર રજૂઆત કરી હતી.

આ ઈન્ટર્ન ડોકટરો માર્ચ મહિનાથી કોવિડ ડ્યુટી કરી રહ્યાં છે. એક એક અઠવાડિયે રોટેશન મુજબ ઇન્ટર્ન ડોકટરો કોવિડ ડ્યુટી કરી રહ્યાં છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં હાલ 340 જેટલા કોવિડના દર્દીઓ સારવાર હેઠળ છે. એક તરફ અત્યારે સરકારી કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને દર મહિને 13,000 રૂપિયા તેમજ કોવિડ ડ્યુટી બદલ અલગથી 5,000 રૂપિયા આપવા રાજ્ય સરકારે એલાન કર્યું છે. તો બીજી તરફ ખાનગી કોલેજ એવી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને માત્ર 5,000 રૂપિયા આપવામાં આવે છે. ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારો કરી 15,000 રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરી છે. આ માંગ સાથે ગઈકાલથી 85 જેટલા ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને  રૂ. 13,000 કર્યું છે. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000 ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.

(5:19 pm IST)