Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે આપવામાં આવતા પાઠય પુસ્‍તકો અન્‍ય શાળાએ પહોંચાડવા શિક્ષકોને ભાડુ ભોગવવુ પડે છેઃ ભાડુ આપવા સરકાર પાસે માંગ

ગાંધીનગર: શાળાઓ ના પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષાની જગ્યાએ મોકલવાની જગ્યાએ શાળાઓમાં પહોંચાડવાની માગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિભાગના સચિવ વિનોદ રાવને પત્ર લખીને માગણી કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા પહોંચાડ્યા બાદ શાળાએ પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આચાર્ય અને શિક્ષકોને ભાડું ભોગવવું પડે છે સરકારમાંથી તે રકમ છેલ્લા બે વર્ષથી શિક્ષકો મળી નથી.

આ રકમ પરત મળે તે માટે શિક્ષણ વિભાગે વ્યવસ્થા કરવી જોઈએ. જો આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષાએ પહોંચાડવામાં આવશે તો શાળાએ લઈ જવાની કામગીરીનો શિક્ષકો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં શિક્ષકોને સરકાર ગમે તે કામ સોંપી રહી છે. તેવામાં મહત્વનું છે કે, શિક્ષકો દ્વારા કામગીરીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અનેક કામ સરકાર દ્વારા શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે.

હાલમાં જ શિક્ષકોને કોરોના વોર્ડમાં ઓક્સિજન લેવલની નોંધણી કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સ્મશાનમાં પણ કામગીરી સોંપવામાં આવી હતી. જેનો ખુબ જ વિરોધ થયો હતો. જેના કારણે સરકારનો ખુબ જ વિરોધ થયો હતો. સરકાર દ્વારા ત્યાર બાદ તે નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે ઓક્સિજનની કામગીરી હજી પણ સોંપાયેલી છે.

(5:22 pm IST)