Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા અને રાજ્‍ય સરકારે પગલા ન ભરતા વેપારીઓ દ્વારા અનેક વિસ્‍તારોમાં સેલ્‍ફ લોકડાઉન

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં ના આવતા અંતે વેપારીઓએ સેલ્ફ લૉકડાઉનની જાહેરાત કરી હતી. અમદાવાદના અનેક વિસ્તારમાં વેપારીઓએ પોતાના દુકાન-ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં સરકારી આંકડા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી 2400થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જ્યારે દરરોજ 25થી વધુ દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

માણેકચોક-ખોખરા સહિતના વિસ્તારમાં દુકાનો રહી બંધ

માણેકચોક-ખોખરા સહિતના અમદાવાદના અનેકે વિસ્તારમાં વેપારી એસોસીએશન દ્વારા કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિએશનની આ જાહેરાતનો વેપારીઓએ પણ સંપૂર્ણ સાથ સહકાર આપી પોતાની દુકાનો-વેપાર ધંધાને બંધ કરી દીધા હતા.

નરોડામાં પણ ધંધા-રોજગાર ત્રણ દિવસ બંધ રાખવા આહવાન

નરોડા વેપારી એસોસીએશન તથા નરોડા ગ્રામજનોને હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઇ આવશ્યક સંસ્થા જેવી કે દુધ, મેડીકલ સીવાય તમામ વેપારીઓએ તારીખ 18 એપ્રિલ રવિવારથી તારીખ 20 એપ્રિલ મંગળવાર સુધી ત્રણ દીવસ ફરજીયાત બંધ રાખી સંપૂર્ણ સાથ સહકાર આપવા વીનંતી કરવામાં આવી છે.

રાજ્યમાં સતત વધી રહ્યુ છે કોરોના સંક્રમણ

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે. અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરા જેવા ચાર મહાનગરપાલિકામાં કોરોના સંક્રમણની સાથે સાથે મોતનો આંકડો પણ વધ્યો છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોના સંક્રમણ વધતા હૉસ્પિટલમાં દર્દીને બેડ પણ મળતો નથી અને વેન્ટીલેટર તેમજ ઓક્સીજનની પણ કમી જોવા મળી રહી છે, જેને કારણે દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.

(5:24 pm IST)