Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગુજરાતમાં કોરોનાકાળમાં લોકોને બચાવવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોને પણ કામ સોંપવા હાર્દિક પટેલની વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગણી

અમદાવાદઃ કોરોનાના વધતા પ્રકોપમાં ભાજપ-કોંગ્રેસ એક બીજા પર આરોપ-પ્રતિઆરોપો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે CM વિજય રુપાણી પાસે કામ માગ્યુ છે. પાટીદાર નેતાએ ટ્વીટ કરી મુખ્યમંત્રીને કોરોનાના સમયમાં લોકોને કોરોનાથી બચાવવા તેમના પક્ષના ધારાસભ્યોને કામ આપવાની વિનંતી કરી છે.

હાર્દિક પટેલે આજે સવારે ટ્વીટ કરીને લખ્યું કેવિજયભાઇ રુપાણી (મુખ્યમંત્રી, ગુજરાત) અમે તમને ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અને મદદ માટે વિનંતી કરીએ છીએ. અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્ય છે, તેથી તમે અમને પણ કામ આપો, જેથી અમે સરકારની જનતાના હિતમાં મદદ કરી શકીએ. આ મહામારીમાં સાથે મળી કામ કરવું પડશે.

બીજી ટ્વીટમાં જો કે હાર્દિક પટેલે સરકારને ટોણો મારતા લખ્યું કે, “કોરોના મહામારીમાં સરકાર જૂઠ બોલી રહી છે, જ્યારે સ્મશાનઘાટ સત્ય કહી રહ્યા છે.

કોંગ્રેસે કોરાના દર્દી માટે શરુ કરી હેલ્પલાઇન

અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકો મફત વિતરણ માટે રાજ્ય સરકારને 10,000 રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની માગ કરી હતી. સાથે કોંગ્રેસ કોરોનાના દર્દીઓની મદદ માટે એક હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરુ કર્યો છે.

ગુજરાતની જનતા કઇ કઇ લાઇનો લગાવશેઃ હાર્દિક

હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટમાં રુપાણી સરકાર પર પ્રહાર કરતા લખ્યું કેગુજરાતની જનતા શેના શેના માટે લાઇન લગાવતી રહેશે. પહેલાં કોરોના ટેસ્ટ માટે લાઇનમાં લાગી, પછી હોસ્પિટલમાં બેડ માટે, પછી રેમડેસિવીર ઇન્જેક્શન માટે અને હવે પરિવારજની લાશ માટે પણ લાઇન લગાવવી પડે છે. આ સરકાર જનતાને કેટલું પરેશાન કરશે.

સર્વપક્ષીય બેઠકની અમિત ચાવડાની માગ

શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકારને 10000 રેમડેસિવીર ઇન્જેક્શનની માગ કરી હતી. જેથી લોકોને મફતમાં વહેંચી શકાય. કોંગ્રેસ કોરોનાના દર્દીઓ માટે હેલ્પલાઇન લોન્ચ કરતા અમિત ચાવડાએ કહ્યું કે આ હેલ્પલાઇનનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ કરી શકે છે. અહીંથી કોરોના વાઇરસ અંગે કોઇ પણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકાશે. ચાવડાએ કોરોના વાઇરસની સ્થિતિ જોતા સર્વપક્ષીય બેઠકની પણ માગ કરી છે.

(5:26 pm IST)