Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં પણ વરસાદી ઝાપટું : તૌકતેના સંકટ વચ્ચે ૫ દિવસ સુધી મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ

ગાંધીનગર, તા. ૧૬ : તૌકતે વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠે ૧૭ તારીખે વાવાઝોડુ પહોંચશે. ૧૮મી તારીખે સવારે પોરબંદરથી માંડી ભાવનગરનાં મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે. વાવાઝોડાની ગતિ ૧૫૦થી ૧૭૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે તૌકતેના સંકટ વચ્ચે આગામી ૫ દિવસ સુધી ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથીઅતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

૧૬થી ૨૦ મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા, આણંદ તથા દક્ષિણમાં પણ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર દરિયામાં વાવાઝોડાના પગલે પવનની સ્પીડ ૧૫૦થી ૧૭૦ કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે રહેવાની શક્યતા છે. જો કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઇ ચુક્યો છે. અમદાવાદ, અમરેલી, મધ્ય ગુજરાતનાં અનેક વિસ્તારો, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

(9:33 pm IST)