Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સાંજથી વાવાઝોડાની અસર : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું

જામનગર, દ્વારકા, પોરબંદર, વેરાવળ, અમરેલી, ભાવનગર, મોરબી તમામ સ્થળો પર ભારે પવન :સુરત, વલસાડ નવસારી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો

અમદાવાદ : રાજ્યમાં “તૌકતે” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠે પહોંચે તે પહેલા જ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. કોરોના અને કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે.

અમદાવાદમાં મોડી સાંજથી જ વાવાઝોડાની અસર વાતાવરણ પર પણ જોવા મળી છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ ગયો છે. મોડી સાંજે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે તો પશ્ચિમ વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા આસપાસ વરસાદી ઝાપટા પડયા હતા. પરિણામે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. લોકો પોતાના ઘરની છત પર જઈ ઠંડા પવનની મજા લેતા જોવા મળ્યા છે. જોકે ઉકળાટને કારણે લોકો ત્રાહીમામ જોવા મળ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ નવસારી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ ત્રણે જિલ્લામાં શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તિથલ બીચ પર પણ વરસાદી માહોલ છવાયો હતો. દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને ઉંજા મોજા ઉછળી રહ્યા હતા. આ સિવાય દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડ્યો છે. ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના  દરિયા કિનારાના તમામ શહેર જામનગર, દ્વારકા, પોરબંદર, વેરાવળ, અમરેલી, ભાવનગર, મોરબી તમામ સ્થળો પર ભારે પવન ફૂકાી રહ્યો છે. આ સાથે ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં ધૂળની ડમરીઓ સાથે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કેટલીક જગ્યાએ વરસાદમાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. પરંતુ કાળઝાળ ગરમીમાં વરસાદથી ઠંડક પ્રસરી જતા લોકોએ આનંદની લાગણીનો અનુભવ થયો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ ગામ અને શહેરોમાં તંત્ર એલર્ટ પર છે. માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે, તો વિજ પુરવઠો જાય તો તેવા સમયમાં કોવિડ દર્દીઓ જે વેન્ટીલેટર પર છે તેમને પણ કોઈ તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરિયા નજીકના ગામોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. કેટલાક વિસ્તારમાં જ વરસાદ જોવા મળ્યો છે પરંતુ પવન ફૂકાંતા કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. એકંદરે રાજ્યના તમામ શહેર અને ગામમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં ઠંડક રહેતા રાહત અનુભવાઈ છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠે “તૌકતે” e વાવાઝોડુ ટુંક સમયમાં ત્રાટકી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજથી જ વાવાઝોડાએ પોતાનું સ્વરૂપ દારણ કરી લીધઉ છે. ઝડપથી તે આગળ વધી રહ્યું છે અને 18 મેના રોજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. 30થી 50ની સ્પીડે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવી શકે છે. સરકાર તથા તંત્ર વાવાઝોડાની આફતને પહોંચીવળવા માટે કામે લાગી ગયા છે.

(9:39 pm IST)