Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઇન-સર્વિસ ડોકટર્સની ૧૨ માંગણીઓ લાંબા સમયથી ન ઉકલાતાં અંતે આ માર્ગ અપનાવ્યો વધુ એક આંદોલનઃ સિવિલ હોસ્પિટલ-જીલ્લા પંચાયતના ૧૮૦ સિનિયર તબિબોનું પેનડાઉન

પીડીયુ સિવિલ હોસ્પિટલ-કે. ટી. ચિલ્ડ્રન, કોવિડ સેન્ટર, પદ્દમકુંવરબા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તેમજ જીલ્લા પંચાયત હસ્તકના ગોંડલ, ધોરાજી, ઉપલેટા હોસ્પિટલના તબિબોએ આંદોલન છેડ્યું

રાજકોટ તા. ૧૭: ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જીલ્લા પંચાયતોમાં ફરજ બજાવતાં ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સના પ્રશ્નો-માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ ન આવતાં અંતે આજથી હડતાલનો માર્ગ અપનાવાયો છે. તબિબી શિક્ષકોની માંગણીઓ સંતોષાતાં તેમણે હડતાલ પુરી કર્યા પછી હવે સિનિયર તબિબોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જુદી-જુદી બાર પડતર માંગણીઓ ઉકેલવા અનેક વખત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અગ્રસચિવને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નિવેડો લાવવામાં ન આવતાં અંતે હડતાલ શરૂ થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના મળી ૧૮૦ તબિબોએ આજથી ૨૨મી સુધી પેનડાઉન આંદોલનનો પ્રારંભ કર્યો છે.

ઇન-સર્વિસ તબિબોના પ્રશ્નો અને માંગણીઓ વિશે જોઇએ તો-આ તબિબોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ એનપીએ આપવું, એનપીએને પગાર જ ગણવાનો છે છતાંય ભુતકાળમાં અન્યાય કરાયો છે, કેન્દ્રના ધોરણે તબિબી અધિકારીઓને છઠ્ઠા પગાર પંચમાં એન્ટ્રી પે પીબી-૩, ગ્રેડ પે ૫૪૦૦ અને સાતમા પગાર પંચમાં મેટ્રીકસ લેવલ ૧૦ મુજબ આપવું, વર્ગ-૧ આરોગ્ય અધિકારીઓ, સ્પેશિયાલિસ્ટ સીએલ-૧ના સેવા સળંગના આદેશો કરવા, તબિબી અધિકારીઓના સેવા સળંગના આદેશો તરત કરવા, અનુસ્તાનક અભ્યાસ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવી, કમિશનરશ્રીની કચેરી ખાતે મહત્વની કહી શકાય તેવી તમામ જગ્યાઓ ચાર્જમાં ચાલે છે, અધિક નિયામક, સંયુકત નિયામક અને અન્ય જગ્યાઓ ચાર્જમાં ચાલે છે. આ પરિસ્થિતિ પ્રથમ કોરોના મહામારીથી હતી એ હાલમાં પણ યથાવત છે. પાત્રતા ધરાવતાં ઇન-સર્વિસ તબીબોને ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી આપવી, પડતર દરખાઅસ્તોમાં નિર્ણ્ય કરી બઢતી આપવી, ગુજરાત મેડિકલ સર્વિસ તજજ્ઞ વર્ગ-૧ના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ લાવવું, ટીકૂ કમિશનના લાભો નિયમિત આપવા અને બિનજરૂરી વાંધાઓ કાઢવાનો જે ટ્રેન્ડ શરૂ થયેલ છે તે બંધ કરવો.

કન્સ્લટન્ટ સીએલ-૧ અને તબિબિ અધિકારીઓની મહેકમમાં મંજૂર થયેલ જગ્યાઓ પર નિમણુંક આપવાનું બંધ કરી પુરા પગાર સાથે નિમણુંક આપો. જીપીએસસીમાં ઉતિર્ણ થાય ત્યાં સુધી ફરજ પર રાખો, સેવા સળંગના લાભો અને જીસીએસઆર મુજબ વાર્ષિક ઇજાફા આપવા, મળવાપાત્ર અને ચુકાવયેલા એચઆરપી-એનપીએના નાણા વસુલ કરવાનું બંધ કરવું, કોરોના મહામારીમાં સ્ટ્રેસમાં ફરજ બજાવતાં તબિબી અધિકારીઓની વાજબી કારણોવગરની અને અહમના ટકરાવવાળી ફરિયાદોમાં ત્વરીત પગલા લેવાનું બંધ કરો, તબિબી અધિકારીઓને બીનજરૂરી, અગમ્ય કારણોસર ફરજના સ્થળથી દૂર દૂર પ્રતિનિયુકત પર મુકવાનું બંધ કરવું.

આ સહિતની માંગણીઓની વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં અંતે ગુજરાત ઇન-સર્વિસ ડોકટર્સ એસોસિએશને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના તબિબોએ ગઇકાલે જીલ્લા પંચાયત ખાતે એકઠા થઇ હડતાલની શરૂઆત અંગે નિર્ણય કર્યા બાદ આજથી પેનડાઉન હડતાલ શરૂ કરી છે. (૧૪.૭)

આજ ૧૭મીથી ૨૨મી સુધી તબિબો કામ કરશે પરંતુ પેનનો ઉપયોગ નહિ કરે

શું કરશે, શું નહિ કરે સિનિયર તબિબો?

.દર્દીને તપાસી સારવાર કરશે-કેસ પેપર લખશે નહિ

.મેડિકો લિગલ કેસ લેવામાં આવશે-પોલીસ યાદીમાં સહી કરવામાં નહિ આવે કે રજીસ્ટરમાં લખશે નહિ

.પોસ્ટ મોર્ટમ કરશે-પોલીસ ઇન્કવેસ્ટમાં સહી કરશે નહિ

.પ્રસુતિની સેવા આપશે-કેસ પેપર પર લખશે નહિ

.વેકસીનેશન કરવામાં આવશે-દસ્તાવેજી કામગીરી નહિ કરે

.દૈનિક, અઠવાડીક કામગીરીના રિપોર્ટમાં કે વહિવટી કામગીરીમાં સહીઓ કરશે નહિ

(11:53 am IST)