Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગુજરાતમાં સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ થશે : આગાહી વરસી

સરકારને સતત ત્રીજા વર્ષે સારા ચોમાસાનો સંકેત આપતા હવામાન શાસ્ત્રીઓ હાલનો વરસાદ કમોસમી : જુનથી મોસમના મંડાણ : જુનથી જિલ્લાવાર કંટ્રોલ રૂમ

ખેતરોમાં વાવણીની પૂર્વ તૈયારી : મહેનત 'ઉગાડતા' ખેડૂતો : ચોમાસુ ઢુકડુ આવી રહ્યું છે. ખેડૂતોએ ખેતરો ખેડવા સહિતની પૂર્વ તૈયારી આદરી દીધી છે. આવતા મહિને વાવણી કરવાની છે. કોટડાસાંગાણી પંથકના સોળિયા ગામના ખેડૂત અશોકભાઇ સોલંકી, મહેશભાઇ સોલંકી વગેરે બળદની મદદથી દેશી પધ્ધતિથી ખેતરને વાવણી લાયક બનાવવા ખેડી રહ્યા છે.

રાજકોટ તા. ૧૭ : ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનું વાતાવરણ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હાલનો વરસાદ કમોસમી છે. રાજ્યમાં ચોમાસાની મોસમના મંડાણ જુનથી થશે. આ વર્ષે સતત ત્રીજા વરસે સારા ચોમાસાના સંકેત હવામાન નિષ્ણાંતોએ આપ્યા છે. ખેડૂતોએ ખેતરો ખેડવાનું શરૂ કરી દીધું છે. બિયારણ ખરીદીની તૈયારી છે. જેને પાણીની સુવિધા છે તેવા ખેડૂતો વરસાદ પહેલા જ આગોતરી વાવણી કરી શકે છે.

સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને હવામાન ખાતાના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાયેલ. જેમાં આ વર્ષે રાજ્યમાં ૯૬થી ૧૦૪ ટકા સરેરાશ વરસાદ થવાની શકયતા દર્શાવવામાં આવી હતી. ૨૦૨૦ અને ૨૦૧૯માં ૧૩૦થી ૧૫૦ ટકા વરસાદ થયેલ. કુદરતી પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઇ શકે છે પરંતુ હાલનું ચિત્ર આશાસ્પદ છે.

રાજ્યમાં ચોમાસુ વરસાદનો પ્રારંભ કયારે થશે તે હજુ હવામાન નિષ્ણાંતોએ જાહેર કર્યું નથી પરંતુ સામાન્ય રીતે જુન મધ્યે મોસમના મંડાણ થઇ જતા હોય છે. પૂરતા વરસાદથી ખરીફ પાક અને રવિ પાકને ફાયદો થવા ઉપરાંત પીવાના પાણીની સમસ્યા પણ હલ થઇ જાય છે. હાલ સરકારી તંત્ર વાવાઝોડાના સામાનની તૈયારીમાં વ્યસ્ત છે. તેમાંથી પરવારે એટલે રાબેતા મુજબની મોસમની તૈયારી આગળ વધારશે. તા. ૧ જૂનથી જિલ્લાવાર ચોમાસાનો કંટ્રોલરૂમ શરૂ થઇ જશે.

(12:18 pm IST)