Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નિયમ ભંગ ન થાય અને માનવતા પણ ન ચૂકયા તેવો રસ્તો શોધનાર જૂનાગઢ DYSP પ્રદીપસિંહ જાડેજાને તમે આ રીતે ઓળખો છો?

લાચાર યુવાનને દુકાન ખોલવા પરવાનગી ન આપી પરંતુ તેના પિતાની દવા માટેની રકમ આપી, સોશ્યલ મીડિયામાં વાયરલ કિસ્સાની વિશેષ વાતો ચાલો જાણીએ

રાજકોટ તા.૧૭: મોટે ભાગે પોલીસ તંત્ર અને તેના સ્ટાફ કે અધિકારીઓ વિષે લોકો દ્વારા અલગ પ્રકારે જ ફરિયાદ થતી હોય છે, આ ફરિયાદનો પ્રકાર કેવો હોય છે તે ભાગ્યે જ કહેવાની કે લખવાની જરૂર પડે છે,આવી કડવી સ્મૃતિઓ વચ્ચે એવા પોલીસ અઘિકારીઓ છે કે જેમાં હજુ માનવતાનું ઝરણું સતત વહેતું રહે છે,આવા પોલીસ અધિકારીઓમાં જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ પ્રથમ પંકિતમાં નામ મૂકી શકાય તે પ્રકારના આ અધિકારી વિષે સોશ્યલ મીડિયામાં તેમની માનવતાનો કિસ્સો વાયરલ થયો છે તે કિસ્સા સાથે તેમના પોઝિટિવ નેચર અને તેમના પરિવારનું બેક ગ્રાઉન્ડ પણ જાણવા જેવું છે.                     

 તાજેતરમાં જુંનાગઢમાં કોલ્ડ્રિંકસ દુકાન ધરાવતા એક યુવાન દ્વારા DYSP પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરી પોતાને દુકાન ખોલવા દેવા વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી, વર્ષો સુધી પોલીસ તંત્રની નોકરી અને પરિવારે પણ આ વિભાગમાં ફરજ બજાવી હોવાથી તેમને એ યુવાન કોઈ તકલીફમાં હોવાનું સમજતા વાર ન લાગી, તેવો એ પ્રથમ દુકાન ખુલી રાખવા પાછળનું કારણ જાણવા માગ્યુ, એ યુવાને છલકતી આંખો દ્વારા પોતાના પિતા બીમાર હોવાનું અને રાજકોટ સારવારમાં હોવાની માહિતી આપી.સારવારની ફાઈલ બતાવી, સારવારમાં બચત પૂર્ણ થયાનું જણાવી દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવે તો દવા લય પોતાના પિતાને બચાવી શકાય. 

પ્રદીપસિંહ ઘનશ્યામ સિહ જાડેજા દ્વારા એ યુવાનને શાંતિથી સાંભળી અને કહ્યું કે, ભાઈ હું તારી આખી સ્થિતિ,મુશ્કેલી સારી રીતે સમજી ગયો છું, તમે સારી રીતે જાણો છો કે હાલમાં દુકાન ખોલવા પર પ્રતિબંધ છે,તમારી દુકાન આવશ્યક સેવામાં ન આવે તે તમે સમજો છો,આવા સંજોગોમાં હું એક દુકાન ખુલ્લી રાખવા મંજૂરી આપુ તો બીજાને અન્યાય થાય અને જવાબદાર અધિકારી તરીકે હું નિયમ ભંગ કરવા પરવાનગી આપુ એ પણ મારા માટે મુશ્કેલ છે, યુવાન પોતાના જવાબથી વધુ નિરાશ થાય તે પહેલાં કહ્યું કે, આપણે આ માટે વચલો રસ્તો કાઢીએ. એ યુવાને આશ્ચર્યથી પ્રદીપસિંહ જાડેજા તરફ એ રીતે જોયું કે મનો મન એ જાણે પૂછતો હોય કે સાહેબ, હવે આમાં શું રસ્તો કાઢી આપશે? તે બીજો સવાલ કરે તે પહેલા DYSP પ્રદીપસિંહ જાડેજા દ્વારા દવા માટે કેટલી રકમની જરૂર છે? તે પૂછી એજ વખતે પોતાના પર્સમાંથી દવા માટે રકમ આપી એ દવાની રકમને કર્જ ન ગણી ચિંતા ન કરવા કહ્યું,એ યુવાન રકમ લેવામાં ઇનકાર ન કરે તે માટે એમ કહ્યું કે, ભવિષ્યમાં તમારો વેપાર સારો ચાલે અને બચત થાય તો મને રકમ પરત કરી આપજો.અને રીતે નિયમ પણ ભંગ ન થાય અને એ યુવાનની સમસ્યા દૂર થાય તેવો માનવીય ઉકેલ શોધી દીધો.                                  

 દરરોજ પોઝિટિવ વિચારો ફેલાવવા માટે ગુજરાત ભરમાં જાણીતા આ અધિકારી દ્વારા દરેક જગ્યાએ ખાનગીમાં નાની મોટી મદદ થતી જ હોય છે.મૂળ રાજકોટ તાલુકાના સૂકી સાજડયાળી ગામના વતની છે, આખો પરિવાર ખૂબ ઉમદા વિચાર અને ખાનદાની માટે જાણીતો છે. DYSP પડે હોવા છતાં અભિમાન હજુ સ્પર્શી શક્યું નથી તેવા આ અધિકારી માટે તાબાના સ્ટાફ સાથે તેમના ઉપલા અધિકારીઓ પણ તેમના માટે ખૂબ માન ધરાવે છે.

(12:57 pm IST)