Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રેમડેસિવિયર પછી હવે મ્યુકોરના ઈન્જેકશન માટે દર્દીઓના સગાને રઝળપાટ

અમદાવાદ, તા.૧૭: દુઃખમાં અધિક માસની જેમ કોરોના પછી હવે મ્યુકોર માઈકોસીસનો કહેર વધી રહ્યો છે. મ્યુકોરના કેસ વધી રહ્યા છે ત્યારે તેની સારવાર માટે મહત્વના ગણાતા ઈન્જેકશન માટે દર્દીઓના સગાએ રઝળપાટ કરવો પડે છે. આટલું જ નહીં, ઈન્જેકશન માટે કોઈએ સિવિલના સુપ્રિટેન્ડન્ટનો નંબર વાયરલ કરી દેતા તેમને સંખ્યાબંધ કોલ આવ્યા હતા. આ બાબતે સાયબર ક્રાઈમમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો રવિવારના રોજ ૧૩ દર્દીઓને રજા આપવામાં આવી છે અને ૩૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે કોરોના પછી જે દર્દીઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય, કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓને મ્યુકોર માઈકોસીસ થવાની શકયતા હોય છે. પાછલા એક અઠવાડિયામાં મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રેમડેસિવિયરની જેમ મ્યુકોરના ઈન્જેકશ મેળવવા માટે પણ દર્દીના સગાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સિવિલના સુપ્રિટન્ડન્ટ ડોકટર જે.વી.મોદી જણાવે છે કે, સરકાર દ્વારા જે સ્ટોક ફાળવવામાં આવે છે તે મુજબ અમે દર્દીઓને ઈન્જેકશન સહિતની દવાઓ આપીએ છીએ. બહારના દર્દીઓને અમે સિવિલમાંથી ઈન્જેકશન અથવા દવા આપી શકીએ નહીં. જેથી લોકોએ ઈન્જેકશન મેળવવા માટે સિવિલનો સંપર્ક ના કરવો જોઈએ.આટલું જ નહીં, સિવિલમાં પણ ઈન્જેકશનની અછત સર્જાઈ છે. જેના કારણે દર્દીઓ લાચાર બન્યા છે અને બહારથી મેળવવા માટે અહીંતહીં ભાગી રહ્યા છે. સરકારે લોકોની હાલાકી દૂર કરવા માટે યોગ્ય વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના સર્જન ડોકટર કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર, સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે પાંચ ઓપરેશન થિયેટરમાં સતત ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યા છે. અત્યારે સિવિલમાં ૯૦ ઓપરેશન અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(3:24 pm IST)