Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટઃ દોઢ લાખ લોકોનું સ્થળાંતર

અમિતભાઈ શાહે વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી : રાજયના ૧૫ જિલ્લામાં ૭૦ થી ૧૭૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ બે દિવસ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપિલ

અમદાવાદઃ  અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને પરિણામે સર્જાયેલું તૌકતે વાવાઝોડું હવે પ્રચંડ બની ગયું છે. જેને પગલે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં ૧.૫ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાઇ રહ્યું છે.

૧૭૫ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રમાં ૧૦ ઇંચ સુધી વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસરથી અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઇ છે.રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના ૧૫ જિલ્લામાં ૭૦થી ૧૭૫ કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

રાજ્યમાં સ્થિતિ બેકાબુ ના થાય તે માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડ બાય રહેવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન વાવાઝોડાની તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.

સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. દૂર છે, જે ૧૭મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને ૧૮મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.

(3:26 pm IST)