Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સુરતમાં 'ઇદી' તરીકે પ૦૦ રોપાનું વિતરણ

સુરત, તા., ૧૭: પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાટર્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઇએ રમઝાન ઇદ નિમીતે પ૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરીને ઇદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે મુસ્લીમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઇની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશને કવોરેન્ટાઇન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા લોકડાઉન હેલ્પ ગૃપના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યુ હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લીમ બિરાદરો તેમજ સંસ્થાઓએ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વ્હોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઇદ નિમિતે રોપા પહોંચાડાયા હતા.

રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે વિરલભાઇએ જે રીતે ઇદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઇને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઇદ પર જ નહી પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું તેમજ અમારી મસ્જીદો તેમજ યતીમખાનામાં પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.

(3:27 pm IST)