Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડુ દિશા બદલશે ? દક્ષિણ ગુજરાત અને સાબરકાંઠાના જીલ્લામાં ૧૫૦ થી ૧૮૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે : ૩ મીટર ઉંચા દરિયાઇ મોજા ઉછળશે

ગાંધીનગર: ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી દૂર સ્થિત છે. તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવવાની શક્યતા છે. પવનની ગતી 185 કિ.મી પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડું દીવથી માત્ર 180 કિ.મી દુર દરિયામાં 15 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે આ મામલે NDRF ના ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેન્ડ ફ્લો લોકેશન મળી ચૂક્યું છે. 44 ટીમ કાર્યરત છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટમાં ટીમો તૈનાત છે. સ્થળાંતર કરવા માટે એનડીઆરએફની ટીમો મદદરૂપ થઈ રહી છે.

રણવિજયસિંહએ વધુમાં જણાવ્યું કે, એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે ખાસ ધ્યાન રાખીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો સજ્જ કરવામાં આવી છે. 48 કલાકનો ઓક્સિજન બેકઅપ હોસ્પિટલોને આપવામાં આવ્યો છે. 3 મીટર સુધી ઉંચા મોજા દરિયામાં ઉછળવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તૌકતે વાવાઝોડું 10.30 કલાકે દીવથી 190 કિલોમીટર દૂર સ્થિત હતું. જે 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં રાત્રિના 10.00 થી 11.00 કલાક દરમિયાન પ્રવેશશે અને 155 થી 185 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્રવેશવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

(5:03 pm IST)