Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગુજરાતના વાતાવરણમાં પલ્ટોઃ ભાવનગર, જામનગર, અમદાવાદથી દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન સાથે હળવો-ભારે વરસાદ

વલસાડ: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

વલસાડમાં બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વલસાડનાં અનેક વિસ્તારોમાં તોફાની  વરસાદ પણ વરસ્યો હતો. તિથલ બીચ પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ઉંચા મોજા ઉછળી રહ્યા હતા. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવત કેરી પર નભતા ખેડૂતોમાં ચિંતા છવાઇ હતી.

ભાવનગર શહેરમાં આજે આખો દિવસ વાવાઝોડા તૌકતે પૂર્વની વ્યાપક અસરો જોવા મળી લોકોએ આકરો બફારો અનુભવ્યો આ સાથે પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ઢળતી સાંજે પૂર્વ દિશાથી ઝંઝાવાતી પવનો ફૂંકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઉંચે સુધી ઉડી અને ઠંડો પવન પણ વહેતો જોવા મળ્યો હતો.

જામનગર શહેર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટોજોવા મળ્યો હતો. દિવસભર ઉકળાટભર્યા માહોલ બાદ સાંજના સમયે વરસાદ વરસતા શહેરી વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. સાંજે સાતેક વાગ્યે તોફાની વરસાદ વરસ્યો હતો. શહેર ઉપરાંત ઠેબા, થાવરિયા, વીજરખી, સુવરડા સહિત કાલાવડ હાઇવે પરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર સાયલા તાલુકાના મોરસલમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જ્યારે મોરબીના ટંકારામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

નવસારી જિલ્લામાં આજે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નવસારી જિલ્લાના દરિયાઇ પટ્ટીના વાવાઝોડાની તૈયારીના ભાગરૂપે કામગીરી શરૂ થઇ છે. ત્યાં વાતાવરણમાં સવારથી આવેલા પલટાને જોતા બપોર બાદ નવસારી શહેર, ગણદેવી તાલુકાના ધોલાઇ બંદર વિસ્તારના કાંઠે ધરાવતા કેટલાક ગામોમાં માવઠુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત વાસંદા તાલુકાના ખાનપુર ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

(5:04 pm IST)