Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગાંધીનગર જિલ્લામાં સે-21માં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મહિલા બુટલેગરના ઘરેથી 251 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી

ગાંધીનગર: જિલ્લામાં આંશિક લોકડાઉનની વચ્ચે દેશી વિદેશી દારૃનું વેચાણ વધી રહયું છે ત્યારે સે-ર૧ પોલીસે બાતમીના આધારે આદિવાડામાં દરોડો પાડીને મહિલા બુટલેગરના ઘરેથી રપ૧ વિદેશી દારૃની બોટલ કબ્જે કરી લીધી હતી. એટલું જ નહીં ૪૮૯૦૦ના મુદ્દામાલ સાથે આ મહિલા બુટલેગરની ધરપકડ કરીને દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરાઈ છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો રાજયમાં ઘુસાડવામાં આવતો હોય છે. હાલમાં કોરોનાના સંક્રમણના કારણે આંશિક લોકડાઉનની સ્થિતિ હોવા છતાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી દારૃનો વેપલો કરતાં બુટલેગરોને ત્યાં દરોડા પાડવામાં આવી રહયા છે. સે-ર૧ પોલીસની ટીમે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે આદિવાડા ખાતે રહેતાં સવિતાબેન મુકેશભાઈ દંતાણી તેમના ઘરેથી વિદેશી દારૃનો વેપાર કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં સવિતાબેન ઘરે હાજર મળી આવ્યા હતા અને તેમના ઘરેથી અલગ અલગ દસ બ્રાન્ડની વિદેશી દારૃની કુલ રપ૧ બોટલો મળી આવી હતી. પોલીસે ૪૮૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને સવિતાબેનની પ્રોહીબીશન એકટ હેઠળ ધરપકડ કરી હતી. દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને કોને વેચાતો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. 

(5:22 pm IST)