Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તૌકતે વાવાઝોડું:વલસાડ જિલ્લામાંથી ૨૪૧૭ લોકોનું સલામત સ્‍થળોએ સ્‍થળાંતર કરાયું:તંત્ર સંપૂર્ણ તૈયાર

વલસાડ જિલ્લા ના લોક પ્રિય કલેક્‍ટર આર.આર.રાવલે ઉમરગામ અને નારગોલ ખાતે બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને ધ્‍યાને લઇ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા સંભવિત અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ૨૦ ગામોના ૧૦૬૭ લોકોને ૨૬ આશ્રય સ્‍થાન, પારડી તાલુકાના ૦૬ ગામોમાં ૫૬૧ લોકોને ૩ આશ્રયસ્‍થાન, ઉમરગામ તાલુકાના ૧૧ ગામોના ૭૮૯ લોકોને બાવન આશ્રયસ્‍થાનો મળી કુલ ૩૯ ગામોના કુલ ૮૩ આશ્રયસ્‍થાનોમાં ૧૦૯૬સ્ત્રી અને ૯૫૮ પુરુષ તથા ૩૬૩ બાળકો મળી ૨૪૧૭ લોકોનું સલામત રીતે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે.
જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે આજરોજ ઉમરગામ તાલુકાના ઉમરગામ અને નારગોલ દરિયાકાંઠે સ્‍થળ ઉપર બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી તથા નારગોલ ખાતે શેલ્‍ટર હોમની મુલાકાત લીધી હતી અને શેલ્‍ટરમાં આશરો લઇ રહેલા લોકોની વ્‍યવસ્‍થાની પણ ખાતરી કરી હતી.
કોવિડ પ્રોટોકોલ મુજબ તેમની વ્‍યવસ્‍થાની પણ ચકાસણી  રાવલ દ્વારા કરવામાં આવી હતી. સાથો સાથ  રાવલે જિલ્લાની કોવિડના દર્દીઓને સારવાર આપતી હોસ્‍પિટલોની ચકાસણી કરી હતી અને વીજ પુરવઠો ખોરવાય જાય તો વૈકલ્‍પિક વીજ પુરવઠાની વ્‍યવસ્‍થાની ચકાસણી સુનિશ્‍ચિત કરી હતી. ઉપરાંત જિલ્લામાં વાવાઝોડા દરમિયાન કોવિડ હોસ્‍પિટલોના દર્દીઓ માટે ઓક્‍સિજનનો પુરવઠો ન ખોરવાય તે માટે ઓકિસજનનો બે દિવસનો બફર સ્‍ટોક રાખવામાં આવ્‍યો છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા દરમિયાન બચાવ રાહત કામગીરી માટે એન.ડી.આર.એફ.ની બે ટીમ ઉમરગામ અને વલસાડ ખાતે તૈનાત કરાઇ છે.
વાવાઝોડા દરમિયાન ઝાડ પડવા કે અન્‍ય કોઇ ઘટના બાબતે જિલ્લા ડિઝાસ્‍ટર કંટ્રોલરૂમ સતત કાર્યરત છે. જેથી તેનો સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮ ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેક્‍ટર દ્વારા જણાવાયું છે.

(7:55 pm IST)