Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફુંકાયો : ધોધમાર વરસાદ

સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ :શહેરમાં ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ તૈનાત

અમદાવાદ: શહેરમાં પણ તૌકતે વાવાઝોડની અસર જોવા મળી રહી છે. શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને સવારથી પવન ફુંકાવાના શરુ થઈ ગયા હતા. તૌકતેના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડાને લઈ સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને રાજયના તમામ દરિયા કાંઠે NDRFની પણ તૈનાત કરી દીધી છે. તૌકતે વાવાઝોડાની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જો કે, હાલ વાવાઝોડું ઉનાથી ફક્ત 50 કિલોમીટરની દુરી પર છે. સરકાર દ્વારા દરિયાકાંઠે રહેતા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

 

 

વાવઝોડુ ત્રાટકવાની શક્યતાના કારણે શહેરમાં ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા જ્યારે પણ ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવશે. ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. જરૂર પડ્યે અમદાવાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક મદદે પહોંચવા તમામ રીતે તૈયાર છે.

 

અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા શરુ થયા હતા. જો કે, બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ઉઠેલું શક્તિશાળી વાવાઝોડું “તૌકતે” હવે ગુજરાતથી માત્ર 50 કિલોમીટર દૂર છે. હવે તે 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. “તૌકતે” એક કલાક કરતા ઓછા સમયમાં સૌરાષ્ટ્રના કાંઠે ટકરાશે. અહીં જ સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

(8:58 pm IST)