Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હવાલો સંભાળતાં પી.ડી.પલસાણા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત મેરીટાઇમ બોર્ડ-ગાંધીનગરના ખાસ ફરજ ઉપરના અધિકારી પી.ડી. પલસાણા (IAS) ની રાજય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી સાથે નિમણૂંક થતાં પલસાણાએ ગત તા. ૧૧ મીને મંગળવારના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.
 સને ૧૯૯૬ માં ગુજરાત વહિવટી  સેવા સંવર્ગ વર્ગ-૧ માં સીધી ભરતીથી પસંદગી પામીને અમરેલી ખાતે નાયબ કલેકટર તરીકેની સેવાઓમાં પ્રોબેશનર તરીકે જોડાઇને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર  પી.ડી. પલસાણાએ રાજકોટ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે તેમજ  અમદાવાદમાં સ્પીપામાં નાયબ નિયામક તરીકેની સેવાઓ દરમિયાન તેમણે નોંધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી બજાવ્યા બાદ સને ૨૦૧૩ માં  અધિક કલેકટર તરીકે બઢતી મેળવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે સને ૨૦૧૯ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓ એ ગુજરાત મેરીટાઇમ  બોર્ડ-ગાંધીનગરમાં ખાસ ફરજ  ઉપરના અધિકારી તરીકેની ફરજો દરમિયાન ઓકટોબર- ૨૦૨૦ માં પી.ડી.પલસાણાની (IAS)  તરીકે નિયુકિત થઇ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી પી. ડી.પલસાણાએ તેમની રાજકોટ જિલ્લાની ફરજો દરમિયાન સને ૨૦૦૧ ના ભૂકંપ સંદર્ભે વાંકાનેર ખાતે રાહત-બચાવની તેમજ ભાવનગર જિલ્લાની ફરજો  દરમિયાન અછત-રાહતની તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી  મંડળની સેવાઓ દરમિયાન વર્ગ-૩ ના  કર્મચારીઓની ભરતીમાં પરીક્ષાલક્ષી કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું  હતું.

(11:07 pm IST)