Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મ્યુકોરમાઈકોસીસે એક ડોકટરનો જીવ લીધો : હાલોલમાં શ્રીજી ક્લિનિકના ડોકટરનું મોત

હાલોલમાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાતા નગરમાં ફફડાટ ફેલાયો

હાલોલ : પંચમહાલ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યા મ્યુકોરમાઈકોસીસ નામની બિમારીએ પડતા પર પાટુ મારવા જેવી નોબત ઉભી કરી છે. જિલ્લાના હાલોલ નગરમાં ખાનગી હોસ્પિટલના તબીબને આ રોગ જીવલેણ સાબિત થયો છે.આ બિમારીના પગપેસારાને પગલે હાલોલ નગરમાં લોકોમા ફફડાટ ફેલાયો છે.

પંચમહાલ જિલ્લામાં એક બાજુ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો કોરોનાના કહેરથી મુક્ત થાય તે માટે તબીબો પણ રાત દિવસ સેવા કરી રહ્યા છે.

તેમજ કોવિડ સેન્ટરોમાં દર્દીઓની સારવાર પણ ચાલી રહી છે. એક બાજુ કોરોનાને કારણે મોત પણ થયા છે. લોકો આ કોરોનામાંથી મૂક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ કોરોનાની સાથે હવે એક નવા મ્યુરોમાઈકોસિસ નામના રોગના લક્ષણો માણસોમાં દેખાતા ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લાના હાલોલ નગરના કંજરી રોડ ઉપર શ્રીજી કલીનીક નામનુ દવાખાનું ચલાવતા ડો.તુષારકુમાર પટેલ મ્યુરોમાઈકોસિસનો ભોગ બન્યા હતા.આ પહેલા તેઓ કોરોના પોઝીટીવ હતા.અને સારવાર બાદ સાજા થયા હતા.જ્યા તેમને નવા મ્યુરોમાઈકોસિસના લક્ષણો દેખાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.જ્યા તેઓનુ નિધન થયુ હતુ.હાલોલમાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાતા નગરમાં ફફડાટ ફેલાયો છે.

(11:50 pm IST)