Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

*મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીને ફૂલોનો શણગાર...*

શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬મી જયંતીની પણ ઉજવણી પરમ ઉલ્લાસભેર કરાઈ...

શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાનો ૧૨૫ વર્ષ આ પૃથ્વી ઉપર રહેવાનો સંકલ્પ પૂરો કરવા સંવત ૧૯૦૧ કારતક સુદ એકાદશીના જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી સ્વરૂપે પુન: પધાર્યા. આ જીવનપ્રાણ અબજીબાપાશ્રી સ્વતંત્ર સિદ્ધ સમાધિવાળા અને અતિ સમર્થ હતા તથા શ્રીજીમહારાજ તેમના દ્વારા સર્વોપરી ઉપાસના અને સ્વરૂપનિષ્ઠાની દ્રઢતા સહુને કરાવતા હતા.

 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં “વચનામૃત” એ શિરમોડ ગ્રંથ છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી “વચનામૃત” છે; એ જ રીતે જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સંતો ભક્તો પર અનરાધાર કૃપાવૃષ્ટિ કરી શ્રીજી મહારાજના દિવ્યામૃતનું પાન કરાવી સહજમાં સ્થિતિ કરાવી હતી. તેમ શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની અનુભવની વાણી એટલે “શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો” છે. શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો અમૃત છે ; જે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોનું શ્રવણ કરશે તેનું જીવન પણ અમૃત સમાન બને છે. આ ગ્રંથમાં મૂર્તિના સુખની લ્હાણી જ છે. જ્યાં જુઓ ત્યાં મૂર્તિમાં રેહવાની લટક શીખવાડી છે. “શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો” ગ્રંથનું પ્રાગટ્ય સંવત ૧૯૬૨ના વૃષપુરમાં સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા વગેરેના પાવન સાનિધ્યમાં થયું હતું.

 

આવા મહાન ગ્રંથની ૧૧૬મી જયંતીની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ,મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ અનુજ્ઞાથી સદ્ગુરુ સંતો સદ્ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ સાથે મળીને આનંદોલ્લાસભેર કરી હતી. જેમાં પૂજનીય સંતોએ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનું મહિમાગાન, સંતવાણી, બાપાશ્રીની વાતોનુ પૂજન, અર્ચન, આરતી તેમજ ઓનલાઈન દર્શન – શ્રવણ કર્યું હતું. 

 

વળી, વિશ્વ વિખ્યાત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પણ ગરમીમાં કુદરતી ઠંડક મળી રહે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો દ્વારા જૂઈ, ડોલર, મોગરા તેમજ ગુલાબ સહિતના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સુગંધિત ફૂલોથી છવાઇ ગયા હતા. હરિના અંગોઅંગ પર ફૂલોનાં શણગાર ઓપી રહ્યાં હતાં. ફૂલોના શણગારને લીધે મંદિરનું ગર્ભગૃહ સુગંધિત થયું હતું.

વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

(1:55 pm IST)